- જીટીયુ દ્વારા કોર્પોરેશનને અંદાજીત ફીની ગણતરીનો હિસાબ મોકલાયો
- જુદીજુદી જગ્યા માટે અંદાજે 30,287 જેટલી અરજીઓ માન્ય ઠરી છે
- જુદીજુદી પાંચ પોસ્ટની જગ્યાઓ માટે 30287 અરજીઓ માન્ય ઠરી
ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત જુદાજુદા સંવર્ગની પાંચ જેટલી પોસ્ટ માટે 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયાની જવાબદારી જીટીયુને સોંપવામાં આવી છે. કોર્પોરેશનને આરોગ્યની આ જગ્યાઓની ભરતી પ્રક્રિયાનો ખર્ચ 1.13 કરોડ ઉપરાંત પહોંચશે તેવી વિગતો છે.
શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે ગાંધીનગર કોર્પોરેશનમાં હેલ્થની વિવિધ કેટેગરીની 73 જેટલી જગ્યાઓ ભરવાની છે. ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત આ તમામ જગ્યાઓ હંગામી ધોરણે ગુજરાત સરકારની એકસો ટકા ગ્રાંટ આધારિત છે. વર્ગ-2 અને 3ની જગ્યાઓ કેટેગરીવાઈઝ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જુદીજુદી જગ્યા માટે અંદાજે 30,287 જેટલી અરજીઓ માન્ય ઠરી છે. જેમાં વર્ગ-2 હેલ્થ ઓફિસરની ચાર જગ્યા માટે 318, ફીમેલ હેલ્થ વર્કરની 27 જગ્યા માટે 6213, મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની 30 જગ્યા માટે 16,370, ફાર્માસીસ્ટની 6 જગ્યાઓ માટે 1644 અને લેબ ટેક્નિશયનની છ જગ્યા માટે 5742 અરજીઓ માન્ય ઠરી છે. કોર્પોરેશનમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોમાં લાઈન લાગી છે. કોર્પોરેશન પાસે અંદાજે 35 હજાર જેટલી અરજીઓનો છે.
ખડકલો થયો હતો, તેમાંથી 30 હજાર ઉપરાંત અરજીઓ માન્ય ઠરી છે.
જીટીયુ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જુદીજુદી આ પાંચ પોસ્ટ માટે આગામી સમયમાં લેખિત પરીક્ષા યોજવામાં આવનાર છે. આરોગ્યની આ 73 જેટલી જગ્યાઓ ભરવા માટે કોર્પોરેશનની તિજોરી પર 1 કરોડ 13 લાખ 17 હજાર 026 જેટલી રકમનો ખર્ચનો બોજો પડવાનો છે. જીટીયુએ આ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજવા સહિતની બાબતો માટે થનાર ખર્ચનો હિસાબ કોર્પોરેશનને મોકલી આપ્યો છે. જેમાં હેલ્થ ઓફિસરની ચાર જગ્યાઓની ભરતી માટે 4.24 લાખ જેટલો ખર્ચ થવાનો અંદાજ દર્શાવ્યો છે. તો ફીમેલ હેલ્થ વર્કરની 27 જગ્યાઓ માટે 22 લાખ ઉપરાંતની ફી દર્શાવી છે. મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની 30 જગ્યાઓની ભરતી માટે કોર્પોરેશને જીટીયુને સૌથી વધુ 58 લાખ ઉપરાંતની ફી ચૂકવવી પડશે.
આવતીકાલની સ્થાયી સમિતીની બેઠકમાં આ ભરતી પ્રક્રિયા માટે થનાર અંદાજીત ખર્ચ અને સદર ભરતીની મંજૂરી તથા અન્ય અનુષાંગીક અંદાજીત ખર્ચ તથા ભરતી પ્રક્રિયા માટે કરવાની થતી વહીવટી પ્રક્રિયા સહિત માટે મ્યુનિ કમિશનરને સત્તા આપવાની બાબત પર નિર્ણય કરવામાં આવશે.


