- પ્રાણપ્રતિષ્ઠા બાદથી જ રામનગરીમાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ
- 18 દિવસમાં લગભગ 40 લાખ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા
- અયોધ્યામાં 9 દિવસ સુધી યોજાશે રામનવમીનો મહમેળો
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદથી જ રામનગરીમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. રામલલ્લાના દરબારમાં દરરોજ દોઢથી બે લાખ ભક્તો આવી રહ્યા છે. 18 દિવસમાં લગભગ 40 લાખ ભક્તોએ રામલલ્લાના દરબારમાં દર્શન કર્યા અને પૂજા કરી છે. ભક્તોની ભીડ સતત ચાલુ છે. એક અનુમાન મુજબ રામનવમી પર 1 કરોડ ભક્તો અયોધ્યા આવી શકે છે. વહીવટી તંત્ર ભીડ નિયંત્રણ યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ માટે વૈકલ્પિક માર્ગો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
અયોધ્યા ખાતે રામનવમીનો મેળો 9 દિવસ સુધી ચાલે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથીએ મુખ્ય તહેવાર રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે રામનવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત સાથે જ તહેવારોની શરૂઆત થશે. અયોધ્યામાં નવ દિવસ સુધી કથાઓ, પ્રવચન સહિત અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. ગત વર્ષે રામનવમીના દિવસે લગભગ 2.25 લાખ ભક્તોએ અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કર્યા હતા. જ્યારે અયોધ્યામાં 25 લાખ ભક્તોની ભીડ ઉમટી હતી.
તે સમયે રામલલ્લાના દર્શન માટેનો રસ્તો સાંકડો હતો, અસ્થાયી મંદિરમાં સુવિધાઓનો અભાવ હતો, ગર્ભગૃહની ક્ષમતા પણ ઓછી હતી પરંતુ હવે ભરપૂર સુવિધાઓ છે. 100 ફૂટ પહોળો રામજન્મભૂમિ પથ બનાવવામાં આવ્યો છે. રામલલ્લા ભવ્ય મહેલમાં સ્થાયી થયા છે. આવી સ્થિતિમાં રામ નવમી દરમિયાન અંદાજે એક કરોડ લોકો અયોધ્યા પહોંચી શકે છે.
ભીડ વધતાં ક્ષીરેશ્વરનાથ મંદિરની સામે આવેલ રામ જન્મભૂમિના ગેટ નંબર ત્રણમાંથી ભક્તોને બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 40 ફૂટ પહોળો રોડ પણ બનીને તૈયાર થઈ ગયો છે. અગાઉ આ માર્ગનો ઉપયોગ VIP મુવમેન્ટ માટે થતો હતો. આ ઉપરાંત મંદિર પરિસરની ઉત્તર દિશામાં નવો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. રામ જન્મભૂમિ પથને રેલવે સ્ટેશન સાથે જોડવા માટે સુગ્રીવ પથ તૈયાર કરવાની પણ યોજના છે.


