- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તલાટીની ભરતીમાં સ્થળ પસંદગીની પ્રક્રિયા યોજાઈ
- તલાટીઓને નીમણૂક પત્ર આપી દેવાતા તેઓ પોતાના ફરજના સ્થળે હાજર થશે
- તલાટીઓની નીમણુંક બાદ પણ હજુ 15 ખાલી જગ્યાઓ રહેશે
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ખાલી પડેલી તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ ભરવા માટે જિલ્લા પંચાયત પસંદગી સમીતી દ્વારા ગત તા. 7મી મેને રવિવારે પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. બાદમાં જુન માસની 16મી તારીખે પરિણામ જાહેર થયુ હતુ. આ ઉમેદવારોની મેરીટ યાદી તૈયાર બાદ 129 ઉમેદવારોને સુરેન્દ્રનગર જિલ્લો ફાળવાયો હતો. ત્યારે બુધવારે 130 ખાલી જગ્યાઓની સ્થળ પસંદગી માટે ઉમેદવારોને બોલાવાયા હતા. જેમાં 113 ઉમેદવારોમાંથી 112 ઉમેદવારોએ હાજર રહી સ્થળ પસંદગી કરી હતી. દિવાળી પહેલા જિલ્લાના આ નવા તલાટીઓ પોતાની ફરજના સ્થળે હાજર થઈ જનાર છે.
રાજયમાં તલાટીઓની ખાલી પડેલી જગ્યા માટે જિલ્લા પંચાયત પસંદગી સમીતી દ્વારા ગત મે માસમાં લેખીત પરિક્ષા યોજાઈ હતી. જેમાં પાસ થયેલ ઉમેદવારોના નામ ગત તા. 11મી ઓગસ્ટે જાહેર થયા હતા. ત્યારબાદ ઉમેદવારોની મેરીટ યાદી બનાવાઈ હતી અને વીવીધ જિલ્લાઓના 129 ઉમેદવારોને સુરેન્દ્રનગર જિલ્લાની ફાળવણી કરાઈ હતી. બીજી તરફ જિલ્લામાં તલાટીઓની 130 જગ્યાઓ ખાલી રહેતી હતી. આ જગ્યાઓ પર સ્થળ પસંદગી કરવા માટે તા. 1લી નવેમ્બરે જિલ્લા પંચાયત દ્વારા સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરાયુ હતુ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે યોજાયેલ આ કેમ્પમાં ડીડીઓ પી.એન.મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને ખાલી જગ્યા દર્શાવી તેઓના સ્થળની પસંદગી કરવામાં આવી હતી. આ ઉમેદવારોમાં અમદાવાદ, મહેસાણા, કચ્છ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી સહિતના જિલ્લામાંથી ઉમેદવારો ઉમટી પડયા હતા. 129 ખાલી જગ્યાઓમાંથી 16 ઉમેદવારો અન્યત્ર ફરજ પર હોઈ તંત્ર દ્વારા 113ને બોલાવાયા હતા. જેમાંથી 112 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 1 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં આગામી દિવાળી પહેલા જ તલાટીઓની નીમણુંક થઈ જાય તેવા અણસાર છે. જોકે, આ તલાટીઓની નીમણુંક બાદ પણ હજુ 15 ખાલી જગ્યાઓ રહેશે.
તલાટીઓના ઈન્ચાર્જ રાજનો અંત આવશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી તલાટીઓની ખાલી જગ્યાઓ હતી. જેના લીધે એક તલાટીને બીજા ગામના તલાટીનો ચાર્જ સોંપવામાં આવતો હતો. આ ઉપરાંત અમુક ગામોમાં ગ્રામ પંચાયતની મુદત પણ પુરી થઈ હોવાથી તેઓને વહીવટદારનો પણ ચાર્જ આપવામાં આવતો હતો. ત્યારે જિલ્લામાં નવા તલાટીઓની નીમણુંકથી ઈન્ચાર્જ રાજનો અંત આવશે.
દિવ્યાંગ ઉમેદવારોને પ્રાથમિકતા અપાઈ
સુરેન્દ્રનગરમાં બુધવારે તલાટીઓની સ્થળ પસંદગીના કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં હાજર 113 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો દિવ્યાંગ હતા. ત્યારે જિલ્લા પંચાયત દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને પ્રાથમીકતા આપવામાં આવી હતી. અને સ્થળ પસંદગીની પ્રથમ તક તેઓને આપવામાં આવી હતી. બાદમાં રેગ્યુલર ઉમેદવારોને સ્થળ પસંદગી કરવા દેવામાં આવી હતી.
30થી વધુ મોટા ગામડાઓમાં તલાટીઓને ચાર્જ સંભાળવો પડશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જે તલાટીઓની ભરતી કરાઈ છે. તેમાં 129 ગામોમાંથી 30 ગામડા મોટા છે. આ ગામોની વસ્તી પણ અંદાજે 10 હજારથી વધુ છે. આ ઉપરાંત રાજકીય રીતે પણ આ ગામડાઓ મહત્વ ધરાવે છે. ત્યારે આવા ગામોમાં નવા તલાટીઓ આવતા તેઓને માર્ગદર્શનની જરૂર પડી રહેશે. જોકે, નીમુણંક બાદ તેઓને હજુ તાલીમમાં પણ જવુ પડશે.