- સાબરકાંઠાની ચકચારી ઘટના
- બાળકોને મસ્તી બદલ ડામ અપાયા
- લોકોએ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી
સાબરકાંઠા જિલ્લાથી એક અતિચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી ચકચાર મચી જવા પામી છે. અહીં નચિકેતા વિદ્યાલયની અંદર 13 જેટલા વિદ્યાર્થીઓને ડામ આપવામાં આવ્યા હતા. જેનાથી આ બાળકોના વાલીઓ રોષે ભરાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના એક વિદ્યાલયમાં બાળકોને ડામ અપાયા હોવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. અહીં નચિકેતા વિદ્યાલય નામની એક સ્કૂલમાં 13 વિદ્યાર્થીઓને મસ્તી કરવા બદલ ડામ આપવાની સજા આપવામાં આવી હતી. જેનાથી વાલીઓમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે વાલીઓએ પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ગંભીર ઘટનાની તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેના લીધે વાલીઓએ ના છૂટકે કલેક્ટર કચેરીને જાણ કરવાની ફરજ પડી છે.
આ મામલે મળતી જાણકારીઓ અનુસાર સાબરકાંઠા જિલ્લાના ખરોજની નચિકેતા વિદ્યાલયમાં આ વિવાદિત ઘટના બનવા પામી છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી આ સ્કૂલની અંદર 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવ્યો હતો જેના લીધે ખળભળાટ મચી ગયો છે. વાલીઓ દ્વારા જવાબદાર લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આના પગલે આસપાસના પંથકમાં પણ લોકોમાં સોપો પડી ગયો છે.
નચિકેતા વિદ્યાલયમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલને આ મામલે ફરિયાદ કરી હતી. આ વાલીઓ પછીથી ખરોજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને લેખિતમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત વાલીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. વાલીઓ દ્વારા બાળકોને ડામ આપ્યાની તંત્રમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી વાલીઓનો આક્રોશ ચરમસીમાએ છે.