- સોલા સિવિલમાં મસાને દૂર કરવા સહિત એકસાથે 14 સર્જરી
- બહુ બોલ બોલ કરવાથી સ્વર પેટીમાં મસા થવાનું જોખમ
- સ્ટ્રેસ સાથે બોલવાથી અવાજ પણ ઘોઘરો થઈ જતો હોય છે
જોરથી બોલતા હોય, વારંવાર નાની નાની વાતે ચીસો પાડવાની ટેવ હોય તો ચેતી જજો. કેમકે હવે તેનાથી સ્વર પેટીમાં મસા થવાનું જોખમ વધી રહ્યું છે અને તેના માટે સર્જરી પણ કરાવી પડી શકે છે. જેનાથી બોલતા પહેલા વિચારવું ખાસ જરૂરી છે.
પહેલી વાર એકીસાથે ઈએનટીની 14 એન્ડોસ્કોપી સર્જરી કરાઈ
કોઈ વ્યક્તિને ચીસો પાડવાની ટેવ હોય, એવા વ્યવસાયમાં હોય કે જ્યાં બહુ બોલવાનું થતું હોય, પ્રોપર રીતે બોલવાની જગ્યાએ સ્ટ્રેસ સાથે બોલતાં હોય તો તેવા કિસ્સામાં અવાજ ઘોઘરો થઈ જાય છે અને સ્વર પેટીમાં મસા થતાં હોય છે. નાના બાળકોના શિક્ષકોમાં પણ આવા કેસ સામે આવતાં હોય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં શ્વરપેટીમાં મસા સહિત પહેલી વાર એકીસાથે ઈએનટીની 14 એન્ડોસ્કોપી સર્જરી કરાઈ હતી.
તબીબી વિદ્યાર્થીઓને શીખવાડવાના હેતુ સાથે સર્જરી કરાઇ
સોલા સિવિલના ENT વિભાગનાં વડા ડો. નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, બહુ બોલવાની ટેવના કારણે દર્દીના સ્વર તંતુમાં થયેલા મસાને દૂરબીન વડે સર્જરી કરીને દૂર કરાયા છે. આ ઉપરાંત નાકમાં મસા, મગજમાં ટ્યૂમર કે ગાંઠ, નાકનો પડદો વાંકો હોય, કાનમાં સડો થયો હોય, ગળામાં તકલીફ કે થાઈરોઇડ જેવા કેસમાં પહેલી ઓક્ટોબરે એક સાથે 14 સર્જરી કરાઈ હતી. સામાન્ય રીતે હોસ્પિટલમાં નિયમિત રીતે આ પ્રકારની સર્જરી થતી હોય છે, પણ તબીબી વિદ્યાર્થીઓને શીખવાડવાના હેતુ સાથે એકીસાથે 14 સર્જરી કરી હતી.
નસ પર દબાણ આવે તો વ્યક્તિને જીવનું જોખમ
હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, મગજની અંદર બ્રેઈન સ્ટેમમાંથી બધી નસ નીકળતી હોય તેવા કિસ્સામાં પણ સર્જરી કરાઈ છે. નસ પર દબાણ આવે તો વ્યક્તિને જીવનું જોખમ રહે છે. જોકે કાનના પાછલા ભાગેથી હાડકું હટાવી દૂરબીનની મદદથી ટ્રીટમેન્ટ કરાઈ હતી. આ સર્જરી સવારે નવથી બપોરે 4 કલાક સુધી ચાલી હતી. દર્દીઓમાં 15 વર્ષથી માંડી 65 વર્ષના સામેલ હતા. જરૂર કરતાં વધારે બોલવું તે પણ જોખમ કારક છે. જેથી કરીને સાચવીને બોલવું પણ જરૂરી છે અને તેમાં પણ જરૂરી ના હોય ત્યાં સુધી વધુ પડતી ચીસો પાડવી ન જોઈએ તે હિતાવહ છે.