- નાનજિંગ શહેરમાં એક રહેણાંક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
- સ્કાયસ્ક્રેપરમાં લાગેલી આગમાં 15ના મોત, 44 લોકો ઘાયલ
- ઇમારતના પહેલા માળે પાર્ક કરેલ ઇલેક્ટ્રિક બાઇકને કારણે લાગી આગ
પૂર્વી ચીનના નાનજિંગ શહેરમાં એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે 15 લોકોના મોત થયા છે, જ્યારે આ દુર્ઘટનામાં 44 લોકો ઘાયલ થયા છે. શનિવારે ચીનના એક અધિકારીએ પ્રેસકોન્ફરન્સ કરીને કહ્યું હતું કે શુક્રવારની સવારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇમારતના પહેલા માટે લાગી હતી જ્યાં એક ઇલેક્ટ્રિક બાઇક પડ્યું હતું.
આ બિલ્ડિંગ નાનજિંગના યુહુતાઈ જિલ્લામાં આવેલ છે જે 8 મિલિયનથી વધુની વસ્તી ધરાવતું શહેર છે અને શાંઘાઇથી 260 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે. અધિકારીઓએ કહ્યું કે સવારે 6 વાગ્યા સુધીમાં તો આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને રાહત અને બચાવ અભિયાન શુક્રવારે બપોરે 2 વગે પૂર્ણ થઈ ગયું હતું.
ચાઈનીઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડિયોઝમાં જોઈ શકાય છે કે એક ગગનચુંબી ઈમારતમાં મધરાતે આગ લાગેલી જોવા મળે છે, જેમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. અન્ય ફૂટેજમાં આગની ભીષણ જ્વાળાઓ બિલ્ડીંગના અનેક ફ્લોરને ઘેરી લેતી જોવા મળે છે. આ દરમિયાન, ઘટનાસ્થળ પર પાર્ક કરાયેલા ઇમરજન્સી વાહનોની ફ્લેશિંગ લાઇટ્સ પણ જોઈ શકાય છે. ઈમારતના ઘણા ભાગોમાંથી સફેદ ધુમાડો નીકળતો જોઈ શકાય છે.
મેયરે દિલગીરી વ્યક્ત કરી
અધિકારીઓએ જણાવ્યું કે 44 લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી એક શખ્સની તબિયત નબળી હોવાનું અને અન્ય એકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં શહેરના મેયર ચેન ઝિચાંગે પીડિત પરિવારો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને ઘટનાને લઈને દિલગીરી પણ વ્યક્ત કરી હતી.
મીડિયા અહેવાલ પ્રમાણે, ચીનમાં નબળા સલામતી ધોરણો અને વ્યવસ્થાપનને કારણે આગ અને અન્ય જીવલેણ અકસ્માતો સામાન્ય બની ગઈ છે. ચીનમાં છેલ્લા કેટલાંક મહિનાઓમાં આ પ્રકારની અનેક આગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ ઘટનાઓમાં ઘણીવાર અધિકારીઓની બેદરકારી સામે આવી ચૂકી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત મહિને સતત બની રહેલી આગની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી સાથે જ મોટા પ્રમાણમાં આવી ઘટનાઓ રોકવા માટે આહ્વાન કર્યું હતું.
આગને કારણે ચીનમાં મચ્યો ‘ત્રાહિમામ’
જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય શહેર શિન્યૂમાં એક સ્ટોરમાં લાગેલી આગમાં ડઝનેક લોકો મૃત્યુ પામ્યા હતા. સરકારની મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે દુકાનના ભોંયરામાં કામદારો દ્વારા આગના “ગેરકાયદેસર” ઉપયોગને કારણે આગ લાગી હતી. આ ઉપરાંત મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં મોડી સાંજે એક શાળામાં લાગેલી આગમાં હોસ્ટેલમાં સૂઈ રહેલા 13 શાળાના બાળકોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો સૂચવે છે કે આગ ઇલેક્ટ્રિક હીટિંગ ઉપકરણને કારણે થઈ હતી.


