- લોકોને થઈ ગભરામણની અસર
- 150 લોકો અચાનક ઢળી પડ્યા
- 4 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
અમદાવાદમાં હાલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાલી રહી છે. મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ લીધી હતી જેમાં તેનો સ્કોર 150 રન નજીક થયો ત્યાં સુધીમાં મેદાનમાં પણ આશરે 150 લોકોને ગૂંગળામણ અને ચક્કર આવ્યાની અસર થઈ હતી. 4 લોકોને હોસ્પિટલે ખસેડવા પડ્યા છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની સંખ્યામાં લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે આવ્યા છે. જેના લીધે લોકોનો ભારે જમાવડો થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટોસ જીતી પાકિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું, જેમાં તેનો સ્કોર 150 રનનો થયો ત્યાં સુધીમાં પ્રેક્ષકદીર્ધામાં લોકોની હાલત પતલી થઈ ગઈ હતી. ડિહાઈડ્રેશન અને ગરમીના લીધે આ બનાવ બન્યો હોવાની આશંકા છે.
150 લોકોને થઈ અસર
અસહ્ય બફારો, તડકો અને સફોકેશનના લીધે આશરે 150 જેટલા લોકોને ચક્કર અને ગૂંગળામણની તકલીફ થવા પામી હતી. જેનાથી આ લોકો પડી ગયા હતા. જો કે આ મામલે વધુ ચિંતાની કોઈ વાત નથી. 108 ઈમરજન્સી સ્ટાફ દ્વારા આ તમામ લોકોને સારવાર આપવામાં આવી હતી. આ દરમિયાન 4 લોકોને વધુ સારવારની જરૂર પડતા તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડી તેમની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે.
વધારે તાપમાનના લીધે લોકોને અસર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલા સવારે 31 ડિગ્રી જેટલું તાપમાન હતું પરંતુ જેમ જેમ દિવસ ચડતો ગયો અને લોકોની ભીડ વધી તેમ તેમ એટલે સ્ટેડિયમની અંદપ પહોંચેલા લોકોને ગરમીનો અહેસાસ થયો હતો. પવનની ગતિ 9 Kmph અને ભેજનું પ્રમાણ ઘટી ગયું હતું. મેચ શરૂ થયાના એક કલાક બપોરે 1 વાગ્યે તાપમાન 35 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું તેમજ પવની ગતિ યથાવત્ 9 Kmph અને ભેજનું પ્રમાણ ઘટતાં ઘટતાં 46 ટકા થઈ ગયું હતું. 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી તાપમાન 35 સેલ્સિયસ રહ્યું હતું. જેના કારણે લોકોને ગરમીનો એહસાસ થયો હતો. લાખોની સંખ્યામાં લોકો હોવાથી અને બફારાના લીધે લોકોને ડિહાઈડ્રેશન અને ચક્કર આવ્યા જેવું લાગ્યું હતું. 108ને લગભગ 150 કોલ્સ મેદાનની અંદરથી આવ્યા હતા.
સ્ટેડિયમમાં હોસ્પિટલ
આજની હાઈવોલ્ટેજ મેચમાં સેલેબ્રિટીની સાથે જ લાખો દર્શકો સ્ટેડિયમમાં છે. આટલા મોટા ક્રાઉડમાં કોઈને પણ કોઈ અનહોની ન થાય અને તબિયત ન લથડે તે માટી તમામ વ્યવસ્થાઓ સ્ટેડિયમની અંદર જ કરવામાં આવી છે. એક માહિતી પ્રમાણે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. ઉપરાંત આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવ્યા છે. આ સાથે જ ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
બે ખાનગી હોસ્પિટલોની વ્યવસ્થા
સ્ટેડિયમમાં 108 ઈમરજન્સીની સાથે મીની હોસ્પિટલની વ્યવસ્થા છે. જોકે કોઈપણ વ્યક્તિને જો તાત્કાલિક ઇમરજન્સી ઊભી થાય અને સારવારની જરૂરિયાત પડે તો પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં અને ત્યાંની ઇમરજન્સી હોસ્પિટલમાં આપવામાં આવશે. વધુ સારવારની જરૂર પડે તો SMS હોસ્પિટલમાં અથવા પ્રાઈવેટ હોસ્પિટલ એપોલો અને કેડી હોસ્પિટલમાં પણ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.