- પેન્ડિંગ કેસોનું ભારણ વધતા સમસ્યા સર્જાઈ હોવાની ચર્ચા
- તત્કાલ પાસપોર્ટ માટે પણ પાંચ દિવસ પછીની તારીખ મળે છે
- નવા અને રિન્યૂ પાસપોર્ટ માટે ફરી વેઇટિંગમાં વધારો જોવા મળી રહ્યો છે
નવા અને રિન્યૂ પાસપોર્ટ માટે ફરી વેઇટિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના મીઠાખળી અને વિજય ચાર રસ્તા ખાતે આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં 20 દિવસનુ વેઇટીંગ જોવા મળી રહ્યુ છે. આ વચ્ચે તત્કાલ પાસપોર્ટ માટે પણ અરજદારોને 5 દિવસ પછીની તારીખ મળી રહી છે તેમજ પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ માટે પણ 13 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે. દિન-પ્રતિદિન વેઇટિંગ પિરીયડ વધતાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. રજાના દિવસે પણ પાસપોર્ટ કચેરી ખુલ્લી રાખીને પેન્ડિંગ કેસોને ઘટાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ ખાતે નવા RPOએ ચાર્જ સંભાળ્યા બાદ પેન્ડિંગ કેસોના ભારણને ઓછા કરવા તેમજ એપોઇમેન્ટમાં લાંબા વેઇટિંગને દૂર કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ઘણા અંશે સફળતા પણ મળી હતી પરંતુ હવે ફરી એકવાર શહેરના પાસપોર્ટ અરજદારોને 20થી વધુ દિવસ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ફરી પાસપોર્ટના પેન્ડિંગ કેસોનું ભારણ વધી રહ્યુ હોવાનું પણ પાસપોર્ટ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે તત્કાલ માટે 5 દિવસનો વેઇટીંગ તેમજ પીસીસી માટે પણ 12થી વધુ દિવસનુ વેઇટીંગ જોવા મળતાં અરજદારોને રાહ જોવાનો વારો આવ્યો છે.


