દરિયાકિનારે સાહસ અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળ્યો
સુરતમાં ર૧ કી.મી.લાંબી હોડી સ્પર્ધામાં 3 બોટ પલ્ટી જતાં અફડાતફડી મચી
તમામ નાવિકોનો આબાદ બચાવ: તરીને જીવ બચાવ્યો, મોટી દર્ઘટના ટળી
અગ્ર ગુજરાત, સુરત
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પર્ધા દરમિયાન ત્રણ હોડી અચાનક પલટી મારી જતાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે.
હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત આ પરંપરાગત રેસ છેલ્લા 45 વર્ષથી સતત યોજાઈ રહી છે. હજીરા રો-રો ફેરી (એસ્સાર જેટી) થી મગદલ્લા પોર્ટ (રૂઢ સ્થિત ગણપતિ વિસર્જન ઓવારા) આશરે 21 કિલોમીટર લાંબી આ હોડી સ્પર્ધા યોજાઈ હતી. કુલ 10 જેટલી સઢવાળી હોડીઓએ આ પડકારજનક રેસમાં ભાગ લીધો હતો. પ્રથમ વિજેતાને 51,000, દ્વિતીયને 35,000 અને તૃતીય ક્રમે આવનારને 25,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
રેસ જ્યારે મધદરિયે પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક પવનના વેગ અથવા તકનીકી કારણોસર ત્રણ સઢવાળી હોડી પલટી ખાઈ ગઈ હતી. હોડી પલટી જતાં ક્ષણભર માટે કિનારે ઉભેલા દર્શકો અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, હોડીમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેઓએ હિંમત હારી નહોતી અને પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
સુરતની રમતગમત પ્રેમી જનતા માટે આ રેસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો હજીરા અને મગદલ્લાના કિનારે આ હરિફાઈ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. હજીરાથી શરૂ થયેલી આ રેસ મગદલ્લાના રૂઢ ઓવારા ખાતે સંપન્ન થઈ હતી. દરિયાઈ પવન અને મોજાઓ વચ્ચે રમાતી આ રમત જેટલી સાહસિક છે એટલી જ જોખમી પણ છે, પરંતુ અનુભવી નાવિકોની સતર્કતાને કારણે આજે કોઈ જાનહાનિ થઈ ન હતી.


