મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ (દોડ)ની પ્રેક્ટિસ કરી રહેલા એક યુવકનું ગ્રાઉન્ડ પર દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ થયું છે.પ્રાપ્ત માહિતી મુજબ, આ બનાવ મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે બન્યો હતો. મૃતક યુવકની ઓળખ રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા (ઉં.વ. 25) તરીકે થઈ છે, જેઓ પોલીસ દળમાં જોડાવા માટે સઘન તૈયારીઓ કરી રહ્યા હતા.
યુવક દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક ઢળી પડ્યો
મળતી વિગતો અનુસાર, રાજેશકુમાર ગઈકાલે સવારે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે નિયમિતપણે દોડની પ્રેક્ટિસ માટે ગયા હતા. દોડ પૂર્ણ કર્યા બાદ તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ત્યાં હાજર અન્ય યુવાનો અને લોકોએ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું.
યુવાનોમાં ચિંતાનો માહોલ ફેલાયો
યુવાન અને તંદુરસ્ત લાગતા રાજેશકુમારનું આ રીતે અચાનક મૃત્યુ થતાં ગ્રાઉન્ડમાં હાજર અન્ય પ્રેક્ટિસ કરતા યુવાનો અને તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના અંગે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને કાયદેસરની અને રાબેતા મુજબની વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના કારણે સખત શારીરિક મહેનત કરતા યુવાનોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.


