- દરોડા દરમિયાન ત્રણેય સ્પાના સંચાલક અને એક મહિલાની ધરપકડ કરી
- પોલીસની કાર્યવાહીની વાત વાયુવેગે પ્રસરી જતા અન્ય સ્પાના સંચાલકો તાળુ મારી ફરાર
- પોલીસે તેમની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કલોલમાં આવેલા અલગ અલગ સ્પા સેન્ટરોમાં સ્પાની આડમાં કુંટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે શહેર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. શહેર પોલીસે ત્રણ અલગ અલગ સ્પા સેન્ટરોમાં દરોડો પાડી તેના સંચાલકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી અન્ય સ્પા સંચાલકો શટરો પાડીને ફરાર થઈ ગયા
કલોલના સિટી મોલમાં આવેલા તનિષા રોયલ સ્પા માં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે શહેર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને પ્રારંભમા આ મામલે ખરાઇ કરી હતી. આ મામલે પોલીસે સ્પાના સંચાલક ફકરૂદ્દીન ઈબ્રાહીમભાઈ સૈયદ (રહે. સૈયદવાસ મટવાકુવા, કલોલ) ની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત અન્ય એક દરોડામાં કલોલના વેપારીજીનમાં આવેલા પંચરત્ન કોમ્પ્લેક્ષમાં ત્રીજે માળે ડેવિંગ સી સ્પા સેન્ટરમાં પોલીસ ત્રાટકી હતી અહીથી સ્પાની સંચાલક એક મહિલા તથા અન્ય સંચાલક આકાશકુમાર નરેશભાઈ રાઠોડ (રહે. રામજી મંદિરની પાસે રોહિત વાસ, કલોલ)ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત હાઇવે પર આવેલા શુકન મોલના ડાયમંડ સ્પામાં કુંટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે તે બાતમીની મુજબ દરોડો પાડી સ્પાના સંચાલક વિજય નટવરભાઈ વાધેલા (રહે. શ્યામ હાઈટ્સ રેલવે પૂર્વ કલોલ) ની ધરપકડ કરી હતી. પોલીસે સ્પાના સંચાલકોને જેલના સળિયા પાછળ ધકેલી તેમની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા શહેરમાં આવેલા સ્પા સેન્ટરોમાં દરોડા પાડવામાં આવતા અન્ય સ્પા સેન્ટરોના સંચાલકો તેમના સ્પા સેન્ટરના શટર પાડીને ફરાર થઈ ગયા હતા. કલોલમાં આવેલા અન્ય સ્પા સેન્ટરોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાની બુમરાડ ઉઠી છે. ત્યારે પોલીસ દ્વારા તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
ત્રણેય સ્પા સંચાલકોના લાયસન્સ રદ્દ કરવામાં આવશે
સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતુ હોવાની વ્યાપક ફરિયાદો બાદ પોલીસ દ્વારા કલોલના ત્રણ સ્પા સેન્ટરોમાં આ કાર્યવાહી કરવામા આવી હતી. જે મામલે પોલીસે ધરપકડનો દોર ચલાવ્યા બાદ આગામી દિવસોમાં આ સ્પા સેન્ટરોના લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથધરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, જિલ્લામાં 100 થી વધુ સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે. જેમાં મોટાભાગના સ્પા સેન્ટરોમાં મસાજના રૂપાળા નામ હેઠળ ગોરખધંધા ચલાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ સિંધુભવનમાં સ્પા સેન્ટરમાં યુવતીને મારમારવાની ઘટના બાદ પોલીસ દ્વારા જિલ્લામાં આવેલા સ્પા સેન્ટરોમાં પણ કોઇ ગોરખધંધા ચાલી રહ્યા છેકે, નહી તેની ખાનગી રાહે તપાસ હાથધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.