- 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા
- વધુ રિમાન્ડની માંગણી ન કરાતા જેલમાં ખસેડાયા
- રાજુ સોલંકીને સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવશે
ગુજસીટોકના કેસમાં રાજુ સોલંકીને હવે જેલ હવાલે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે વધુ રિમાન્ડની માંગણી ન કરવામાં આવતા આખરે તેને જેલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજુ સોલંકી અને તેના પુત્ર સહિત 4 આરોપીઓ જેલ હવાલે
તમને જણાવી દઈએ કે રાજુ સોલંકી અને તેના પુત્ર સહિત 4 લોકો સામે ગુજસીટોકનો કેસ દાખલ છે. ત્યારે આજે રાજુ સોલંકી સહિત આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં રાજકોટની ગુજસીટોક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા રાજુ સોલંકી તેના પુત્ર સહિત 4 અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રાજુ સોલંકીને સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવશે.
જાણો સમગ્ર મામલો
ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે ખૂની હુમલા, અપહરણ સહિતની ફરિયાદ કરનાર યુવક અને તેના પિતા રાજુ સોલંકી સહિત 5 શખ્સોને પોલીસે રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ દ્વારા જાણકારી મળી હતી કે રાજુ સોલંકી અને તેના પુત્ર અને ભાણીયા દ્વારા ગુનાહિત પ્રવૃતિથી મેળવેલી તમામ મિલ્કતોની તપાસ કરવામાં આવશે અને આ ટોળકીના જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી નથી તેવા લોકોનો પોલીસ સંપર્ક કરી તેની વિગતો ગુપ્ત રાખી પૂછપરછ કરશે.
ભૂતકાળમાં દાખલ થયેલા ગુનાઓના આધારે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો
જૂનાગઢના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના દસ લોકો સામે અપહરણ તથા ખૂની હુમલો કર્યાની ફરિયાદ કરી હતી અને પોલીસે આ કેસમાં ગણેશ જાડેજા સહિતનાઓની ધરપકડ કરી જેલ ધકેલ્યા હતા. બે માસમાં તપાસ પૂર્ણ કરી આ અંગેની ચાર્જસીટ કોર્ટમાં રજુ થઈ હતી. ત્યારબાદ ફરિયાદી સંજય ઉર્ફે ચંદુ સોલંકી અને તેના પિતા રાજુ બાવજી સોલંકી તથા તેના ભાઈ દેવ રાજુ સોલંકી, ફરિયાદીના કાકા જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે ભૂતકાળમાં દાખલ થયેલા ગુનાઓના આધારે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો, ત્યારે રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી અને યોગેશ કાળા બગડાની ધરપકડ કરવામાં આવી હતી.