- મૃતક પરિવાર કેરળમાં વેકેશન મનાવીને ગુરુવારે દુબઈ રવાના થયું હતું
- ગત મહિને કુવૈતમાં શ્રમિક આવાસમાં આગ લાગવાથી 45 ભારતીયોનાં મોત થયા હતા
- આગ લાગ્યા બાદ તમામના ગૂંગળામણ થતા મોતને ભેટયા હતા
કુવૈતમાં એક ભીષણ દુર્ઘટના સામે આવી છે. જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકોનાં કરૂણ મોત થયા છે. એર કંડિશનરમાં શોર્ટ સર્કિટને લીધે ફલેટમાં આગ લાગી ગઈ હતી. આ પીડિત પરિવાર દુર્ઘટના વાળા દિવસે જ કેરળની વેકેશન મનાવીને કુવૈત પરત ફર્યું હતું. મેથ્યૂઝ મુલક્કલ, તેમની પત્ની અને બે બાળકો કુવૈતના અબ્બાસિયા વિસ્તારમાં ફલેટના બીજા માળે રહેતા હતા. આગને લીધે ગૂંગળામણ થતા તમામના મોત થયા હતા. આ ઘટના રાત્રે આઠ વાગ્યે સર્જાઈ હતી. પીડિત પરિવાર કેરળના અલપ્પુઝાના નિરત્તુપુરમના રહેવાસી હતા.
વિદેશમાં ભારતીય પરિવારનો ભોગ લેવાયો
મળતી માહિતી પ્રમાણે, આ મૃતક પરિવાર કેરળમાં વેકેશન ગાળીને કુવૈત પરત ફર્યું હતું. જયાં કુવૈતમાં સ્થાનિક સમય પ્રમાણે સાંજે ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. પરિવારના મોભી ખાનગી મીડિયા સંસ્થાન સાથે જોડાયેલા હતા. જ્યારે તેઓની પત્ની સરકારી હોસ્પિટલમાં નર્સ હતી. તેઓના બંને બાળકે કુવૈતના ભવન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના ગત મહિને એક શ્રમજીવી આવાસમાં ભીષણ આગની દુર્ઘટના પછી તરત થઈ છે. જેમાં 45 ભારતીયોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે તેઓ ઘટનાસ્થળે હાજર હતા. અને તેમને પોતાના સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે તેમની ટીમે એપાર્ટમેન્ટમાં લાગેલી આગ પર સફળતાથી કાબૂ મેળવી લીધો છે.
આ ઘટના અંગે કુવૈતમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તેઓ કેરળમાં પરિવારના સંપર્કમાં છે અને તેઓ ચાર મૃતકોના મૃતદેહને જલ્દી સ્વદેશ મોકલશે.
આ દરમિયાન કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે દૂતાવાસ ગઈકાલે રાત્રે આવાસમાં આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. જેના લીધે શ્રી મેથ્યુઝ મુલક્કલ, તેઓની પત્ની અને બે બાળકોનાં મોત થયા હતા. તે બદલ ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. દૂતાવાસ મૃતના પરિવારના સંપર્કમાં છે અને પાર્થિવ શરીરને જલ્દીથી જલ્દી સ્વદેશ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


