- અહીંની બનાવટના ફટાકડાનો ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ સપ્લાય
- 20થી વધુ ફેક્ટરીઓમાં 600થી વધુ કારીગરો દ્વારા 365 દિવસ ફ્ટાકડા તૈયાર કરે છે
- આ વર્ષે ફટાકડાની માગ ગત વર્ષ કરતાં ઓછી હોવાથી ભાવમાં પણ 20 ટકા જેટલો ઘટાડો
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફ્ટાકડા હોલસેલ બજારમાં ફ્ટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ‘મેડ ઇન ઇન્ડિયા’ના ટેગને આત્મસાત કરીને હવે અમદાવાદ પણ ફ્ટાકડા બનાવવામાં અગ્રેસર બન્યું છે. બજારમાં વેચાતા ફ્ટાકડામાંથી 40 ટકા જેટલા ફ્ટાકડા ‘મેડ ઇન અમદાવાદ’ના છે. જોકે દર વર્ષે દિવાળી ટાણે ફ્ટાકડાથી પ્રદૂષણ થતું હોવાની બૂમો ઊઠતી હોય છે, જેને પગલે ગ્રીન ફ્ટાકડાનું ચલણ છેલ્લાં કેટલાક સમયથી વધ્યું છે. ત્યારે અમદાવાદનું વાંચ ગામ એટલે ગ્રીન ફ્ટાકડાઓનું શિવાકાશી કે જ્યાં બારે માસ ફ્ટાકડા બનાવવામાં આવે છે. આ ફટાકડા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થાય છે.
દિવાળીને ગણતરીનો સમય બાકી હોવાથી મોટાભાગના વિવિધ વેરાઈટીના ફ્ટાકડાઓના પેકિંગ પણ થઈ ગયા છે. વાંચ ગામમાં આવેલ 20થી વધુ ફેક્ટરીઓમાં 600થી વધુ કારીગરો દ્વારા 365 દિવસ ફ્ટાકડા તૈયાર કરતાં હોય છે. આ કારીગરો ગામ સહિત આસપાસના વિસ્તારો તેમજ રાજસ્થાન, યુપી અને દાહોદથી પણ આવેલા કારીગરો ફ્ટાકડા બનાવવાનુ કામ કરી રહ્યા છે. આ ફેક્ટરીઓ દ્વારા ગ્રીન ફ્ટાકડાઓનુ ઉત્પાદન કરી રહ્યા છે. જોકે, આ વર્ષે માગ પણ ઓછી હોવાની સાથે ભાવમાં પણ 20 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ અંગે પેઢીઓથી ફ્ટાકડાના ઉત્પાદન સાથે સંકળાયેલા નદિમભાઈએ જણાવ્યું હતું કે, પાંચ પેઢીથી અમારો પરિવાર વાંચ ગામ ખાતે ફ્ટાકડા બનાવે છે. વાંચ ગામ સહિત શહેરના નરોડા, પિરાણા, લાંભા અને સાણંદ ખાતે ફ્ટાકડા બનાવાની ફેક્ટરીઓ આવેલી છે. શહેરમાં વેચાતા ફ્ટાકડાઓમાંથી 40 ટકા ફ્ટાકડાઓ અમદાવાદમાં તૈયાર થયેલા છે. આ ફ્ટાકડા બનવાનો લેબર ખર્ચ પણ વધારે હોવા છતાંય ફ્ટાકડા સસ્તા ભાવે વેચાણ થઈ રહ્યા છે. અહીં 100 ટકા ગ્રીન ફ્ટાકડાઓનુ ઉત્પાદન થઈ રહ્યુ છે. આ ગ્રીન ફ્ટાકડા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. શહેર અને રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર અહીંથી જ ફ્ટાકડાઓનુ સપ્લાય થાય છે. જોકે હવે વિવિધ રાજ્યોમાં પણ ફ્ટાકડાઓનું સપ્લાય પણ શરૂ થયું છે. ફ્ટાકડાઓની ફેક્ટરીઓ અહીં સ્થાનિક લોકો અને આસપાસના લોકો માટે રોજગારીનુ સાધન બન્યુ છે. આ કાર્ય માટે રાજસ્થાન, યુપી અને દાહોદથી પણ ઘણાં કારીગરો કામ માટે અહીં આવી રહ્યા છે. દિવાળી અને લગ્ન સિઝનમાં સસ્તા ભાવે ફ્ટાકડાની ખરીદી માટે લોકો સીધો સંપર્ક અહીંથી જ કરતાં હોવાથી અહીંની ઓળખ અમદાવાદનું શિવાકાશી તરીકે થઈ રહી છે. આ વચ્ચે વાંચ ગામ ખાતે કેટલાક ફ્ટાકડાના છૂટક વેપારીઓ પણ હવે વાંચગામમાં સ્ટોલ લગાવીને ફેક્ટરીનો સ્ટોલ હોવાનું કહીને વધારે કિંમતે પણ ફ્ટાકડાનું વેચાણ કરી રહ્યા હોવાની પણ ચર્ચાએ જોર પક્ડયુ છે.
દિવાળી નજીક આવતા માગ વધવાની આશા
શહેરમાં ફ્ટાકડાઓના ઉત્પાદન કરનાર ફેક્ટરીઓ દ્વારા ભાવમાં ઘટાડો કરવા બાદ પણ તેની માગમાં 25થી 30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ હોલસેલ અને રિટેલ ખરીદી ઓછી થઈ રહી છે, પરંતુ જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ માગ વધવાની આશા છે.
સોશિયલ મીડિયાના નામ, ભમેડા જેવા ફ્ટાકડાઓ બજારમાં આવશે
આ વર્ષે કેટલાક ફ્ટાકડાઓની ઓળખ સોશિયલ મીડિયાના નામથી જોવા મળશે. ગૂગલ, ઈન્સ્ટાગ્રામ અને ટિવટ્ર નામ વાળા ફ્ટાકડાઓ બજારમાં આવ્યા છે. આ સાથે હેલિકોપ્ટર અને આઈ-સ્પીન ફ્ટાકડાઓ પણ બજારમાં ધૂમ મચાવશે. ઉપરાંત અદ્રશ્ય થયેલા ભમેડાઓ ફ્ટાકડાના રૂપમાં આવતાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
કારીગરોની સુવિધા અને સુરક્ષા માટે CCTV અને ઈન્સ્યોરન્સ પણ કરાવાયા
ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, ફ્ટાકડાના ઉત્પાદન કરતાં એકમોમાં કામ કરતાં કારીગરોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને CCTVની સાથે મેડિક્લેઈમ અને ઈન્સ્યોરન્સ લેવામાં આવે છે. આ સાથે હેન્ડ ગ્લોવઝ પણ પહેરીને પણ કારીગરો કામ કરી રહ્યા છે.
ગ્રીન ફ્ટાકડા શું છે?
ગ્રીન ફ્ટાકડા બનાવવામાં ફ્લાવર પોટ્સ, પેન્સિલ, સ્પાર્કલ્સનો ઉપયોગ થાય છે. આ ફ્ટાકડા હવાને ઓછું પ્રદૂષિત કરે છે. ગ્રીન ફ્ટાકડા માત્ર કદમાં નાના નથી હોતા, પરંતુ તેને બનાવવામાં કાચો માલ પણ ઓછો વપરાય છે. જેથી વિસ્ફોટ પછી ન્યૂનતમ પ્રદૂષણ ફેલાય.
ગ્રીન ફ્ટાકડાના ફાયદા
- ગ્રીન ફ્ટાકડા એટલે જે ઓછો અવાજ કરે તેવા ફ્ટાકડા
- ધુમાડો ઓછો થવાથી વાતાવરણમાં પ્રદૂષણમાં 50 ટકા ઘટાડો થાય
- આ ફ્ટાકડા સળગ્યા બાદ તેમાંથી નુકસાનકારક ગેસ ઓછો પેદા થશે અને તેમાંથી સારી સુગંધ પણ પ્રસરાશે.