- પશુ ચિકિત્સક સહિતની વિવિધ 1100 જગ્યા ભરાઈ નથી
- અધિકારી-કર્મચારીની ઘટથી લમ્પી વાયરસ વખતે રસીકરણ નબળું રહ્યું હતું
- પશુપાલન અધિકારી વર્ગ-2ની કુલ મંજૂર 775 જગ્યાઓ છે
ગુજરાત સરકારે 10 વર્ષીય ભરતી કેલેન્ડરની મોટા ઉપાડે જાહેરાત કરી હતી, જેની મુદ્દત વર્ષ 2023માં પૂરી થઈ રહી છે, તેમ છતાં રાજ્યમાં પશુપાલન અધિકારી વર્ગ-2ની હજુયે 444 જેટલી જગ્યાઓ ખાલી છે. પશુપાલન અધિકારી વર્ગ-2ની કુલ મંજૂર 775 જગ્યાઓ છે, જે પૈકી 460 જેટલી જગ્યાઓ ભરાયેલી છે તથા 315 જગ્યા ખાલી હતી. એટલું જ નહિ પરંતુ 31મી જુલાઈ 2023ની સ્થિતિએ કોઈ જગ્યાઓ ભરવામાં આવી નહોતી.
રાજ્યના પશુપાલન વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 170 જેટલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી થઈ રહી છે. સૂત્રો કહે છે કે, પશુપાલન અધિકારી ઉપરાંત પશુ ચિકિત્સક સહિતની વિવિધ 1100 જેટલી જગ્યાઓ ખાલી હતી. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં વર્ષ 2022ના સમય ગાળામાં 6,193 ગાય સહિત વિવિધ પશુઓનાં મોત થયાં હતા. ગુજરાતમાં 1.76 લાખ પશુ લમ્પીગ્રસ્ત થયા હતા, જે તે વખતે ગુજરાતમાં માંડ 65 ટકા જેટલા પશુઓમાં રસીકરણ કરી શકાયું હતું. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ પશુઓમાં રસીકરણ ઓછું થયું હતું. અમદાવાદમાં જ પશુ ચિકિત્સા અધિકારીની 15થી વધુ જગ્યાઓ ખાલી હતી, એ જ રીતે અમરેલીમાં 28, બનાસકાંઠામાં 23, ભરૂચમાં 17, ભાવનગરમાં 20, જામનગરમાં 24, જૂનાગઢ 17, કચ્છ 30 અને સુરેન્દ્રનગરમાં 17 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું હતું.