5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
ઓડિટમાં નાણાંકીય ગેરરીતિઓ છુપાવવાનો આરોપ ગંભીર ગણાયો, પુરાવા નષ્ટ કરવાનો મુદ્દો પણ કોર્ટએ નોંધ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં બહાર આવેલા પોણા છ કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ નરેન્દ્રભાઈ દાસાણીને સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. અધિક સેશન્સ જજ આઈ.બી. પઠાણે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
કેસની વિગતો મુજબ, દાસાણી છેલ્લા લગભગ 20 વર્ષથી સીએ તરીકે પ્રેક્ટિસ કરતા હતા અને સૂર્યા હાઇબ્રીડ પ્રા. લિ. કંપનીના ઓડિટર તરીકે કામ કરતા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે કંપની દ્વારા ખોટા બિલો ઉભા કરી આશરે રૂ. 5.73 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરરીતે મેળવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહયોગ બદલ દાસાણીએ અંદાજે રૂ. 70 લાખ કમિશન મેળવ્યા હોવાના આક્ષેપ છે.
જીએસટી વિભાગ દ્વારા નોટિસ અપાયા બાદ દાસાણીએ ધરપકડ ટાળવા આગોતરા જામીન માટે અદાલતમાં અરજી કરી હતી. સરકાર તરફથી રજૂઆત કરતા જિલ્લા સરકારી વકીલએ દલીલ કરી હતી કે જીએસટી કાયદા હેઠળ સમાધાનનો લાભ ફક્ત ટેક્સ ચૂકવવા પાત્ર વ્યક્તિને મળે છે, જ્યારે અરજદાર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તે કેટેગરીમાં આવતો નથી.
વધુમાં, તપાસ દરમિયાન બહાર આવ્યું કે અરજદારે પોતાના મોબાઇલ અને લેપટોપમાંથી મહત્વપૂર્ણ ડેટા ડિલીટ કરી નાખ્યો હતો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો રિફોર્મેટ કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટએ આ બાબતને ગંભીરતાથી લીધી અને નોંધ્યું કે અરજદારનું વર્તન માત્ર વ્યવસાયિક બેદરકારી નહીં પરંતુ ગુનાહિત ઇરાદા દર્શાવે છે.
કોર્ટએ માન્યું કે આ કેસમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરવું, પુરાવા નષ્ટ કરવું જેવી ગંભીર કલમો લાગુ પડી શકે છે, જેમાં કડક સજાની જોગવાઈ છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટએ દાસાણીની આગોતરા જામીન અરજી રદ કરી છે.
આ કેસમાં જીએસટી વિભાગ તરફથી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી.


