- બચાવા માટે એક પછી એક ચાર લોકો પાણીમાં કૂદ્યા
- દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા હતા
- 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા
ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં 5 લોકો ડૂબ્યા છે. જેમાં 5 માંથી 3 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા હતા. તેમાં 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે. જેમાં મહિલા, બાળકી અને એક પુરૂષનું ડૂબી જવાથી મોત થયુ છે. એકબીજાને ડૂબતા બચાવવા જતા 5 લોકો ડૂબ્યા હતા.
ચોમાસાની સિઝનમાં નદીઓમાં પાણીનું સ્તર વધી ગયુ
ચોમાસાની સિઝનમાં નદીઓમાં પાણીનું સ્તર વધી ગયુ છે. જેમાં ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે નદીઓનું જળસ્તર વધ્યું છે. જેના કારણે નદિના પાણીમાં ડૂબવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તેવામાં અમદાવાદથી કેટલાક લોકો ગાંધીનગરની સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા માટે ગયા હતા. જેમાં એક કિશોરી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જવા પામી હતી. તેને બચાવવા માટે ચાર લોકો નદીમાં ગયા હતાં. તેઓ પણ નદીના પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના જીવ ગયા છે જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લેતા રાહત થઇ છે.
એક પરિવારની 12 વર્ષની દીકરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના સેક્ટર 30ની સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા માટે અમદાવાદથી આવેલા એક પરિવારની 12 વર્ષની દીકરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. તેને બચાવવા માટે એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ડુબ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા છે. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિના મૃતદેહને બહાર કાઢ્યો છે.