જૂનાગઢ શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના ગેરકાયદેસર કાળા કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આક્રમક કાર્યવાહીના ભાગરૂપે, જૂનાગઢ પોલીસે કુખ્યાત રવિ રબારી ગેંગના છ સાગરીતો વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક – GujCTOC) હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેનાથી ગુનેગારોમાં ખળભળાટ મચી ગયો છે.
45 FIR સાથે ગુનાહિત ઇતિહાસ
આ ગેંગ દારૂની હેરાફેરી, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. પોલીસ ચોપડે આ ગેંગ વિરુદ્ધ કુલ 45 જેટલી FIR નોંધાયેલી છે, જેમાંથી 30થી વધુ ગુના તો માત્ર દારૂબંધીના કાયદાના ભંગના જ છે.આ ગેંગનું નેટવર્ક પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી ટ્રકોની નંબર પ્લેટ બદલીને ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું ગેરકાયદેસર કામ કરતી હતી. પોલીસની સફળ કાર્યવાહીના કારણે આ આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે.
મુખ્ય આરોપીઓની ધરપકડ અને રિમાન્ડ
પોલીસે ગેંગના મુખ્ય સાગરીતો વિપુલ ખાંભલા, રાજુ કરમટા, મના કટારા અને રામા ચોપડા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય સંડોવાયેલા સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ વધુ તેજ કરી છે. ત્યારબાદ કોર્ટે આ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવનારી સઘન પૂછપરછમાં હવે આ નેટવર્ક વિશે વધુ મોટા અને સનસનીખેજ ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.


