- વિશ્વ આરોગ્ય સંગઠને બચાવ માટે નવી મેન્યુઅલ જારી કરી
- ઇનડોર રેસિડયુઅલ સ્પ્રે મચ્છરજન્ય બીમારીઓને નિયંત્રિત કરવામાં ઘણો કારગત
- IRS આ બીમારીઓને નિયંત્રિત કરવામાં ઘણું કારગત છે
વિશ્વની 80 ટકા વસ્તીને એક કે તેથી વધુ મચ્છરજન્ય બીમારીઓનું જોખમ હોવાનું વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) જણાવ્યું છે. WHOએ આ બીમારીઓથી બચવા માટે ઘરોમાં જંતુનાશકોના છંટકાવ (ઇનડોર રેસિડયુઅલ સ્પ્રે-IRS) અંગે નવી મેન્યુઅલ પણ જારી કરી છે. IRS આ બીમારીઓને નિયંત્રિત કરવામાં ઘણું કારગત છે. રિપોર્ટ મુજબ મચ્છર, માખી અને જીવજંતુઓ વાઇરસ તથા બેક્ટેરિયાનો પ્રસાર કરે છે. તેના કારણે દુનિયાભરમાં લાખો લોકો સંક્રમિત થાય છે. આ ખતરનાક ચેપી રોગોમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, યલો ફીવર, ઝિકા વાઇરસ, લીશમૈનિયાસિસ અને ચગાસનો સમાવેશ થાય છે. મેલેરિયા પર નિયંત્રણ લાવવા માટે WHO મોટાપાયે ઉપયોગ માટે બે વેક્ટર નિયંત્રણ પદ્ધતિઓની ભલામણ કરે છે. ઇન્સેક્ટિસાઇડ ટ્રીટેડ નેટ (કીટનાશક ઉપચારિત જાળી) અને જંતુનાશક દવાઓનો છંટકાવ, જે અંતર્ગત ઘરોમાં તથા અન્ય ઇમારતોમાં જંતુનાશકોનો છંટકાવ કરાય છે. મેલેરિયા ફેલાવતા એનોફિલીસ મચ્છરોને મારવા માટે IRSનો વ્યાપક ઉપયોગ કરાય છે પણ નવી મેન્યુઅલ સાથે IRSનો છંટકાવ અન્ય બીમારીઓ ફેલાવતા જીવજંતુઓને પણ મારે છે.
મેન્યુઅલની ખાસ વાતો
સ્પ્રે કવરેજ : શક્ય હોય તેટલા વધુ લોકોનું રક્ષણ કરવું અને નબળા સમૂહોની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવો.
સ્વીકૃતિ : મોટી સંખ્યામાં એકમોમાં છંટકાવ કરવો, જેથી જંતુનાશકની વધુ અસર થઈ શકે.
કાર્યક્ષમતાઃ ઝુંબેશ સમયસર પૂર્ણ થાય અને રોજ શક્ય તેટલા વધુ ઘરોમાં અસરકારક છંટકાવ કરવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવું જોઇએ.
ગુણવત્તા : છંટકાવ કરી શકાય તેવી તમામ સપાટીઓ પર જંતુનાશકની યોગ્ય માત્રા લાગુ કરવા માટે યોગ્ય પ્રક્રિયાઓ અને તકનીકોનો ઉપયોગ થઇ રહ્યો હોવાની ખાતરી કરવી.


