7મુ પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઇ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય કે શું હવે જાન્યુઆરીથી 8મુ પગાર પંચ લાગુ થશે કે ક્યારે લાગુ થશે. ત્યારે આ સવાલને લઇને કેન્દ્ર સરકારે સોમવારે એકવાર ફરી આયોગની શરતોને લઇને ચાલી રહેલા ક્યાસ પર વિરામ લગાવીને સ્પષ્ટ જાણકારી આપી છે.
આઠમા પગાર પંચ વિશે ઘણી અટકળો ચાલી રહી છે. કેન્દ્ર સરકારે તેનો જવાબ આપ્યો છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કમિશન તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપશે, અને સરકાર બજેટમાં ભંડોળ ફાળવશે.
8મુ પગાર પંચ ક્યારે થશે લાગુ?
આઠમા પગાર પંચ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે કે તેનો અમલ ક્યારે થશે. કેટલાક લોકો માને છે કે તેમાં બે થી ત્રણ વર્ષ લાગી શકે છે જ્યારે કેટલાક લોકો કહે છે કે તેનો અમલ 1 જાન્યુઆરી, 2026 સુધીમાં થઈ શકે છે. આ બધી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે 1 જાન્યુઆરી, 2026 થી 8મા પગાર પંચને લાગુ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સરકારે સંસદમાં આપ્યો જવાબ
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવાર 8 ડિસેમ્બર, 2025 ના રોજ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકાર 8મા પગાર પંચના અમલીકરણની તારીખ નક્કી કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી, 2026 થી 8મા પગાર પંચને લાગુ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે હજુ સુધી તારીખ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કર્મચારીઓમાં 2026 થી 8મા પગાર પંચને લાગુ કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
તેમણે કહ્યું કે આઠમા પગાર પંચની રચના પહેલેથી જ થઇ ગઇ છે. તેની ટર્મ ઓફ રેફરન્સ પણ 3 નવેમ્બર 2025ના રોજ નાણામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ચૌધરીએ કહ્યું કે પંચ તેની ભલામણ તૈયાર કરવા માટે પોતાની પ્રક્રિયા અને કાર્યપદ્ધતિ જાતે જ નક્કી કરશે.
50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરો
સરકારે જણાવ્યું કે દેશમાં કુલ 50.14 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો છે, જેમને 8મા CPCથી સીધી અસર થશે. આ નોંધપાત્ર ખર્ચને ધ્યાનમાં રાખીને, સરકારે એમ પણ કહ્યું કે એકવાર આયોગની ભલામણો સ્વીકારાઈ જાય, પછી તેમને લાગુ કરવા માટે જરૂરી ભંડોળ બજેટમાં ફાળવવામાં આવશે.
વધુ વાંચો-Stock Market Opening: ટ્રમ્પના ટેરિફ સંકેતથી શેરબજાર ધડામ, સેન્સેક્સ 589 પોઇન્ટ તૂટ્યો


