- આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ સઘન બનાવાશે
- બાયોડીઝલના વેચાણ મુદ્દે પેટ્રોલપંપો ઉપર તપાસ
- 47 હોટલ-રેસ્ટોરંટો ,23 પેટ્રોલપંપો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરવામા આવી
આણંદ જિલ્લામા દિવાળીના તહેવારો પુર્વે જ પુરવઠા વિભાગે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે પુરવઠા અધિકારીની ટીમે ગતરોજ આણંદ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમા હોટલ, રેસ્ટોરંટો, ઢાબાઓ ઉપરઓચિંતો છાપો મારતા ઘરેલુ રાંધણગેસના બોટલોનો ઉપયોગ કરાતો હોવાનુ માલુમ પડતાં રાંધણગેસના 20 સિલિન્ડરો જપ્ત કરી કસુરવારો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવા ઉપરાંત પેટ્રોલપંપો ઉપર ચકાસણી કરીને બાયોડિઝલના વેચાણની તપાસ હાથ ધરવામા આવી છે.
આણંદ જિલ્લામા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ટેક્ષ ડિપાર્ટમેન્ટ, જિલ્લા પુરવઠા કચેરીના સંયુક્ત વડપણ હેઠળ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ તૈયાર કરીને આણંદ જિલ્લાના તારાપુર, વાસદ, ખંભાત, ચિખોદરા હાઇવે ઉપર આવેલી 47 હોટલ-રેસ્ટોરંટો, ઢાબાઓ તેમજ 23 પેટ્રોલપંપો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા 10 હોટલ-રેસ્ટોરંટમા ઘરેલુ ઉપયોગમા લેવાતા રાંધણગેસનો ઉપયોગ કરાતો હોવાનુ માલુમ પડતાં અધિકારીઓની ટીમે 20 નંગ રાંધણગેસના બોટલ કિંમત રૂા. 42398નીક કિંમતના કબ્જે લઇને સીઝ કરવા આદેશ કરીને કસુરવારો વિરૂદ્ધ દંડનીય- કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામા આવશે. સાથોસાથ પેટ્રોલપંપો ઉપર બાયોડિઝલનો ઉપયોગ કે વેચાણના મુદે પણ સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતું તેમજ આગામી દિવસોમા પણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામા આવશે. જોકે દિવાળીના તહેવાર પુર્વે જ તંત્રના સખ્ત રૂખને પગલે નિતી-નિયમોનો ભંગ કરતા વ્યવસાયિકોમા ફફઢાટ ફેલાઇ જવા પામ્યો છે.