- ગુજરાત હાઇકોર્ટના કડક વલણને લઇને નડિયાદ નગર પાલિકા દોડતું થયું
- રખડતાં ઢોરના કારણે થોડા દિવસો અગાઉ બે નાગરિકોએ જીવ ગુમાવ્યો
- નવી પોલીસી અંગે નગરના પશુ પાલકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી
નડિયાદ સહિત રાજયમાં રખડતાં ઢોરની સમસ્યા સામે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ દાખવ્યું છે. જેને લઇને નડિયાદ નગરપાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. સરદાર પટેલ જયંતીની રજાના દિવસે પાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ નગરમાં રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંગળવારે રખડતા 8 ઢોર પકડવામાં આવ્યા હતા. જયારે નગરના વિશ્વકર્માવાડી પાસે ઘાસચારો વેચવા સારૂ રખડતાં ઢોર ભેગા થવાથી ઘાસ વેચનાર શખ્સ સામે નડિયાદ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
નડિયાદ શહેરમાં રખડતાં ઢોરના કારણે થોડા દિવસો અગાઉ બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.નગરના દરેક માર્ગો તેમજ પોળ , સોસાયટીઓમાં રખડતાં ઢોરને લઇને નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. હાઇકાર્ટે શહેરમાં રખડતાં ઢોરને લઇને આકરૂ વલણ અપનાવ્યું હતું. જેથી નગરપાલિકા તંત્ર જાગ્રત બનીને દોડતું થઇને નગરમાં કોઇની શેહશરમ રાખ્યા વિના રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 4 દિવસમાં 60 ઉપરાંત રખડતાં ઢોર નગરના વિવિધ વિસ્તારોમાંથી પકડીને ઢોર ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા છે. પાલિકાના ચીફઓફિસર રૂદ્રેશ સહિત પાલિકાની ટીમ રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી દરમિયાન મંગળવારે સવારે 10.30 કલાકે પશ્વિમ વિસ્તારના વિશ્વકર્માવાડી પાસે સંજય હિરાલાલ મૌર્ય (રહે.નડિયાદ) ટેમ્પીમાં લીલાઘાસ પૂળિયા લઇને વેચતાં પકડયો હતો. આ શખ્સ આવતાં જતાં રાહદારીઓને ઘાસ વેચાણ આપી રખડતી ગાયો ભેગી કરી રસ્તામાં આવતાં જતાં નગરજનો અને વાહનચાલકોને અડચણ થાય તે રીતે ઉભી રખતાં પકડાયો હતો. આ સંદર્ભે પાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેકટર મયંક મહેન્દ્રભાઇ દેસાઇની ફરિયાદના આધારે નડિયાદ પશ્વિમ પોલીસે સંજય હિરાલાલ મૌર્ય વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નવી પોલીસી અંગે પાલિકાએ પશુપાલકો સાથે બેઠક કરી
નગરપાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશભાઇએ જણાવ્યું હતું કે, નવી પોલીસી અંગે નગરના પશુ પાલકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં નવી પોલીસીના અમલ બાદ કેવીરીતે કામગીરી બાબતે માહિતી આપવામાં આવી હતી. પશુપાલકાને જાગૃત કરવામાં આવ્યા હતા. પશુપાલકનું નગરમાં રખડતું ઢોર ત્રીજી વાર પકડાશેતો તે પશુપાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. નગરમાં રખડતાં ઢોરને પકડીને ઢોર ડબ્બામાં પૂરી દેવામાં આવશે અને નિયમ મુજબ પશુ માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવી માહિતી આપવામાં આવી હતી.