- લોહપુરુષ સરદાર પટેલને યાદ કરવા માટે રક્તદાન શિબિર શ્રોષ્ઠ કાર્યક્રમ છે
- છેલ્લા 25 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે
- રક્ત દાતાઓ દ્વારા 350 થી વધારે રક્ત બોટલનું દાન કરવામાં આવ્યું હતું
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજ્યંતિ નિમિત્તે કો.ઓપરેટિવ બેન્ક ઓફ મહેસાણાના સ્થાપક ચેરમેન કાંતિભાઈ એલ. પટેલ (ખોડિયાર ગ્રુપ) દ્વારા દેદિયાસણ જીઆઈડીસી હૉલમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.
આ ઉપરાંત આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષપદે 35 કરતાં વધુ વખત રક્તદાન કરનાર 60થી વધુ રક્તદાતાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ પટેલ (ખોડિયાર ગ્રુપ) દ્વારા છેલ્લા 25 વર્ષથી સરદાર જ્યંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે રક્ત દાતાઓ દ્વારા 350 થી વધારે રક્ત બોટલનું દાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રજવાડાં એક કરી ભારતનું નિર્માણ કરનાર લોહપુરુષ સરદાર પટેલને યાદ કરવા માટે રક્તદાન શિબિર શ્રોષ્ઠ કાર્યક્રમ છે. ભૂતકાળની સરકારોએ સરદાર પટેલનું નામ ઈતિહાસમાંથી ભુંસી નાંખવા અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ, લોકોના દિલોમાં રાજ કરનાર સરદાર પટેલની દુનિયામાં સૌથી ઊંચી અને વિરાટ પ્રતિમા નર્મદા ડેમ ઉપર બનાવી આપણા વડાપ્રધાને શ્રોષ્ઠ કાર્ય કર્યું છે. આ પ્રસંગે સર્વોદય સેવા ટ્રસ્ટ, વડનગરના પ્રમુખ સોમાભાઈ ડી.મોદી, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ ડી. પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, સહકાર ભારતી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કો.ઓપરેટિવ બેન્ક ઓફ મહેસાણાના સ્થાપક કાંતિભાઈ એલ. પટેલ (ખોડિયાર ગ્રુપ, મહેસાણા), મહેસાણા જિ. ભાજપના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી, સહિતના હાજર રહ્યા હતા.