- રામવનમાં રહેતા 20 વર્ષીય ગુરુપ્રસાદ ગોડિયાનું મોત
- રુખડીયા ફાટક પાસે રહેતાં 35 વર્ષીય સુરેશ લોરીયાનું મોત
- બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
રાજકોટમાં હાર્ટ અટેકથી વધુ બે યુવકનાં મોત થયા છે. જેમાં રામવનમાં રહેતા 20 વર્ષીય ગુરુપ્રસાદ ગોડિયાનું મોત થયુ છે. બંસીધર વે બ્રિજ નજીક મીરા ઈન્ડસ્ટ્રીયલમાં ઘટના બની છે. ત્યારે રુખડીયા ફાટક પાસે રહેતાં 35 વર્ષીય સુરેશ લોરીયાનું પણ હાર્ટ અટેકથી મોત થયુ છે. બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
હાર્ટ એટેક ખાસ કરીને છાતી અથવા ડાબા હાથના દુખાવા સાથે સંકળાયેલ
હાર્ટ એટેક ખાસ કરીને છાતી અથવા ડાબા હાથના દુખાવા સાથે સંકળાયેલ છે, પરંતુ સ્ત્રીઓમાં હાર્ટ એટેકના કિસ્સામાં, ગરદન અને જડબામાં પણ દુખાવો થઈ શકે છે. આ પીડા તીવ્ર અથવા સતત હોઈ શકે છે. હાર્ટ એટેક દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ એ સૌથી સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના મતે, આ સમય દરમિયાન એવું લાગે છે કે તમે મેરેથોન દોડ પૂર્ણ કરી છે.
મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા કોરોના બાદ સતત વધ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. જેમાં આજે પણ રાજકોટ શહેરમાં બે યુવાનો સાયલન્ટ કિલર હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે.
યુવાનો ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.