- અરવલ્લીમાં નશાનો પર્દાફાશ
- 266 કિલો પોષડોડા પોલીસે ઝડપી પાડ્યા
- ધનસુરા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી
અરવલ્લી જિલ્લામાં પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક કારને રોકીને તેની તપાસ કરતા 266 કિલો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાની વિગત પ્રમાણે ધનસુરાની કીડી પાસેથી પોષડોડા ભરેલી એક કારને પોલીસે ઝડપી પાડી હતી. મહત્વનું છે કે આ મામલે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ કારનું પાયલોટિંગ કરતી અન્ય એક કારને પણ પોલીસે કબજે લીધી હોવાનું સામે આવ્યું છે. આમ વધુ એકવાર પોલીસે અરવલ્લી જિલ્લામાં નશાની ઘૂસણખોરીનો પર્દાફાશ કરીને તેને અટકાવી છે.
પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા 2 કારને ઝડપી લીધી હતી. આ કાર્યવાહીમાં પોલીસે 7.98 લાખ રૂપિયાની કિંમતના પોષડોડા ઝડપી લીધા હતા, આ ઉપરાંત આ કાર્યવાહીમાં પોલીસે 2 કાર સહિત કુલ 23.08 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે ધનસુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે ધનસુરા પોલીસે આ મામલે 2 શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા. હાલ આ બંને લોકોની અટકાયત કરવામાં આવી છે તેમજ આ પોષડોડા કોના હતા, ક્યાંથી માલ ઉઠાવવામાં આવ્યો છે તેમજ તે આ માલની ડિલિવરી ક્યાં કરવાના હતા અથવા તેનું શું કરવાના હતા જેવા અનેક પ્રશ્નોના જવાબ આ લોકોની પૂછપરછ બાદ જ જાણી શકાશે. જો કે આ નશાના વ્યાપારની ચુંગાલમાંથી ગુજરાતને મુક્ત કરાવવા પોલીસતંત્રને હજુ વધુ જહેમત ઉઠાવવી પડશે એવું જણાઈ રહ્યું છે.