- સરકારી ડોક્ટરની ખાનગી પ્રેક્ટિસ
- વીડિયો જોઈને ડીન ભાગી ગયા
- સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ડીનનો વીડિયો વાયરલ
લાખોનો પગાર લેતા ડોક્ટરોને જાણે કે હજુ પણ પૈસાની ભૂખ નથી સંતોષાતી તેમ ખાનગી પ્રેક્ટિસની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના પાટણના સિદ્ધપુરથી સામે આવી છે. અહીં સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડો. ધર્મેન્દ્ર શાહનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમને ખાનગી પ્રેક્ટિસ કરતા જોઈ શકાય છે. જો કે ડોક્ટરને તેની જાણ થતાં જ તે ભાગ્યા હતા તે પણ દૃશ્યો કેમેરામાં અંકિત થયા હતા.
મહત્વનું છે કે આ ઘટનામાં પાટણના સિદ્ધપુરમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ડીનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજના ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. જે મામલે એક નાગરિકે વીડિયો રેકોર્ડ કરતા ડીન ક્લિનિક છોડી ભાગી ગયા હતા. આ ડોક્ટર વિશે મોટી વાત એ છે કે એ એક લાંબા સમયથી ખાનગી પ્રેક્ટિસ કરતા હોય તેવી માહિતી પણ સૂત્રોએ જણાવી હતી.
ખાનગી પ્રેક્ટિસ કરતા હતા
સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજના ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિક ચલાવતા હોવાની જાણકારી મળી હતી. અત્રે જણાવીએ કે, ONGC ની બૂક માં પણ સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજ ના ડીન નું નામમાં તેમના ખાનગી ક્લિનિક નું એડ્રેસ દર્શાવેલ છે. જાણવા જેવી વાત તો એ છે કે તેમજ ડો ધર્મેન્દ્ર શાહ છેલ્લા 10 વર્ષથી સિધ્ધપુરની સરકારી ડેન્ટલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવે છે અને મહિને લાખો રૂપિયાનો પગાર લેવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરીને સરકારી નિયમોનો ભંગ કરે છે અને સરકારની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે. આમ છતાં તેમની આ કામગીરીની કોઈ વિભાગને ગંધ આવી નથી.
વીડિયો થયો વાયરલ
આ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ડીન ડો. ધર્મેન્દ્ર શાહ એક ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતા, તે દરમિયાન એક નાગરિકે વીડિયો લેવાનું શરૂ કરતા તેઓ કેમરો જોઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ડેન્ટલ કોલેજના ડીનના હોદ્દા સાથે પ્રાઈવેટ પ્રક્ટિસ કેટલી યોગ્ય તે સૌથી મોટો સવાલ છે. આ મામલે વીડિયો વાયરલ થયા બાદ શું હવે સરકારી તંત્ર આ ઘટનાની નોંધ લેશે કે કેમ અને લેશે તો ડોક્ટર સામે કેવા પગલાં ભરવામાં આવશે તે તો હવે આવનારો સમય જ કહી શકે છે.