- દિલ્હી પ્રદૂષણ બાદ યમુના નદીના પ્રદૂષણ પર રાજકારણ તેજ
- કેજરીવાલ સરકારના ‘યમુના જિયે’ જઈ રહ્યું છે નિષ્ફળ
- દિલ્હી સરકાર હરિયાણાના ઉદ્યોગોને ગણાવી રહી છે જવાબદાર
દિલ્હીમાં હવે યમુના ઘાટો પર ઝેરીલુ ફીણ જોવા મળી રહ્યું છે. જેના કારણે છઠની ઉજવણી કરતા ભક્તોની મુશ્કેલીઓ વધી છે. હવે દિલ્હી સરકારની તૈયારીઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે.
દેશભરમાં જ્યાં એક તરફ છઠ પૂજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે દિલ્હીના યમુના ઘાટ ખાતે પણ છઠ પૂજાની તૈયારીઓ જોરશોરથી ચાલી છે. તો બીજી બાજુ, યમુનાની તાજેતરની તસ્વીરો ચોક્કસ ડરાવી શકે છે. કેટલાંક પર્યાવરણવિદો અનુસાર, આ ફીણનું કારણ કેટલાંક વિશિષ્ટ બેક્ટેરિયાની સાથે પ્રતિક્રિયા કરતાં સમય કેટલાંક ગેસ નિકળવાને કારણે થઈ શક્યું હોઇ શકે છે. યમુના નદીના પાણીમાં તરતુ ફીણ આમ તો સામાન્ય વાત હતી પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી તેમાં ખાસ્સો વધારો થયો છે. એવામાં આ યમુના નદીમાં છઠની ઉજવણી કરવામાં આવશે તો લોકોનું શું થશે તેનો અંદાજો તમે પોતે જ લગાવી શકો છો.
આવું પહેલીવાર નથી થઈ રહ્યું જ્યારે છઠના તહેવાર પહેલા યમુનામાં ફીણ જોવા મળ્યું હોય. દર વર્ષે સ્થિતિ એવી જ રહે છે અને દિલ્હી સરકારના તમામ દાવા પોકળ સાબિત થઈ જાય છે. આ વર્ષે પણ છઠ પૂજાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ ઘાટને શણગારવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આ ઝેરી ફીણથી શ્રદ્ધાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે કેજરીવાલ સરકારે યમુનાની સફાઈ માટે વધારાનું બજેટ પણ બહાર પાડ્યું છે.
વાસ્તવમાં, યમુનાના પાણીમાં ડિટર્જન્ટનો જથ્થો ગટરના પાણી અથવા ઉદ્યોગોના કચરામાંથી આવે છે. જેના કારણે નદીમાં ફીણ ઉડે છે. ઉદ્યોગોમાંથી પેદા થતો કચરો ભલે ઓછો હોય, પરંતુ તે ગટરમાંથી પેદા થતા કચરા કરતાં વધુ ખતરનાક હોય છે. ‘યમુના જિયે’ અભિયાનના સંયોજક મનોજ મિશ્રાએ માર્ચ મહિનામાં કહ્યું હતું કે મોટાભાગની સરકારો માત્ર ગંદાપાણીની શુદ્ધિકરણ યોજના બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે યમુનાના પાણીમાં ઉદ્યોગોમાંથી નીકળતો પ્રવાહી કચરો વધુ નિકાલ કરવામાં આવતો હોવાથી યમુના નદીમાં વધુ પ્રમાણમાં ફીણ પેદા થાય છે. જો કે, દિલ્હી સરકાર સતત આરોપ લગાવી રહી છે કે હરિયાણાની ફેક્ટરીઓમાંથી નીકળતા પાણીને કારણે યમુનામાં એમોનિયાનું સ્તર વધી રહ્યું છે.