- 41 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે, કોરોનાવાયરસનો JN.1 સબ-વેરિયન્ટ
- JN.1 સબ-વેરિયન્ટ સૌથી ઝડપથી ફેલાતો કોરોનાવાયરસ
- કોવિડ વેક્સિન લીધા બાદ પણ JN.1 સબ-વેરિયન્ટથી સંક્રમિત થવાય છે
Covid-19નો નવો JN.1 વેરિયન્ટ કોરોનાના “Pirola” કુળના વાયરસથી સંબંધ ધરાવે છે. JN.1 વેરિયન્ટ છેલ્લા 4 મહિનામાં દુનિયાભરના 41 દેશોમા ફેલાઈ ગયો છે. JN.1 વેરિયન્ટ એ ઓમિક્રોનનો પેટા-વેરિયન્ટ BA.2.86 પરથી બન્યો છે. કોવિડ-19 સબ-વેરિયન્ટ JN.1 કેવી રીતે આવ્યો? તેના લક્ષણો તથા જોખમ વિશે જાણો.
JN.1 સબ-વેરિયન્ટ શુ છે?
JN.1 સબ-વેરિયન્ટ ઓમિક્રોનના BA.2.86 “Pirola કુળના સબ-વેરિયન્ટ” પરથી આવ્યો છે. આ પેટા વેરિએન્ટે મહાસત્તા અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે. 4 મહિનાના ટૂંકા ગાળામાં વિશ્વના 41 દેશોમાં આ વેરિયન્ટ ફેલાઈ ગયો છે. આ સબ-વેરિયન્ટમાં જિનોમ સિક્વન્સમાં ફેરફાર થવાને કારણે તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક ડિસઝ્ સેન્ટર એ JN.1 સબ-વેરિયન્ટને સૌથી ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ તરીકે ગણાવ્યો છે. જે રોગપ્રતિકારક શક્તિ પર સીધી અસર કરે છે અને મનુષ્યની રોગપ્રતિકાર શક્તિ પર સીધો હુમલો થવાને કારણે તે પ્રાણઘાતક પણ નીવડે છે. જેવી રીતે કોરોનાવાયરસના BA.2.86 તેના સ્પાઈક પ્રોટીન્સમાં વધારા સાથે પરિવર્તનનો ગુણધર્મ ધરાવે છે તે JN.1 તેનાથી વધુ જોખમી અને ચેપી છે.
JN.1 સબ-વેરિયન્ટ વિશે નિષ્ણાતોનો મત
Seattleના ફ્રેડ હચિંસન કૈંસર સેન્ટરના જીવ વૈજ્ઞાનિક જેસી બ્લૂમના મતે, JN.1 વેરિયન્ટ કોરોનાવાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના પર હજી સંશોધનની જરૂર છે. આ વેરિયન્ટથી જોખમ ઓછું છે કારણ કે, તે વેક્સિન લીધી હોય તેમને ઓછી અસર કરે છે.
જીનોમ સંશોધકો વિનોદ સ્કેરિયા અને બાની જોલીએ જણાવ્યું હતું કે, Covid19 વાયરસ નવા વંશની રચના કરી રહ્યો છે. JN.1 એ ઓમિક્રોનનું પેટા પ્રકાર છે જે સ્પાઇક પ્રોટીનમાં વધારાનું પરિવર્તન ધરાવે છે. આ વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ હજી સુધી પ્રાપ્ત માહિતી અનુસાર આ વેરિયન્ટને કારણે ગભરાવાની જરૂર નથી પણ સાવચેત રહેવાની ચોક્કસ જરૂર છે.
હિન્દુજા હોસ્પિટલ, મુંબઈના વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ અને રોગચાળાના નિષ્ણાત ડૉ. લેન્સલોટ પિન્ટોએ JN.1ને ઓળખવા માટે વધુ સંશોધન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘આ નવું વેરિઅન્ટ ઓમિક્રોનના અગાઉના સબ-વેરિઅન્ટ BA.2.86 જેવું જ છે. જે માત્ર એક સ્પાઈક પ્રોટીનમાં જ અલગ છે. આ કારણે તે ચેપી અને ઝડપથી ફેલાય છે.
સહ-પ્રમુખ રાજીવ જયદેવનએ કહ્યું હતું કે, JN.1 એ રોગપ્રતિકારક શક્તિને દૂર કરનાર અને ઝડપથી ફેલાતો સબ-વેરિયન્ટ છે જે XBB અને આ વાયરસના અન્ય તમામ પ્રકારોથી અલગ છે. તે એવા લોકોને પણ સંક્રમિત કરવામાં સક્ષમ છે કે, જેમને પહેલા ચેપ લાગ્યો હોય અથવા જેમને અગાઉ રસી આપવામાં આવી હોય.
JN.1 સબ-વેરિયન્ટનું જોખમ
JN.1 સબ-વેરિઅન્ટ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ખૂબ ઝડપથી ફેલાય છે. પરંતુ તેનો ચેપ એકદમ હળવો છે. WHOના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને ICMRના ભૂતપૂર્વ મહાનિદેશક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, ‘JN.1 વાયરસ કેટલો ગંભીર છે તે જાણવા માટે હજી પૂરતો ડેટા નથી અને આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ સાવધાન રહેવું જરૂરી છે. એ સાથે જ, અમે એવું કહી શકતા નથી કે તે ન્યુમોનિયા કે મૃત્યુનું કારણ બનશે.
કોરોનાવાયરસ JN.1 સબ-વેરિયન્ટના લક્ષણો
કોરોનાવાયરસના અલગ અલગ વેરિયન્ટ આવતા રહ્યાં છે, જેમાંથી JN.1 વેરિયન્ટના લક્ષણો એક રીતે અગાઉના કોરોનાવાયરસ જેવા જ છે. JN.1 વેરિયન્ટના લક્ષણોમાં માથાનો દુખાવો, શ્વાસની તકલીફ, તાવ, શરદી, ઉધરસ, થાક, માંસપેશીઓનો દુખાવો, સ્વાદ ન આવવો, સુગંધ ન આવવી, ગળામાં દુખાવો, ઉબકા, ઉલટી અને ઝાડા એ JN.1 ના સામાન્ય લક્ષણો હોવાનું નોંધવામાં આવે છે.
વિશ્વભરમાં JN.1 સબ-વેરિયન્ટની એન્ટ્રી
વર્ષ 2022ની શરૂઆતથી જ વિશ્વભરમાં કોરોનાના કેસનોની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ BA.2.86 હતું. 17 ઓગસ્ટ, 2023ના રોજ યુરોપના લક્ઝમબર્ગમાં JN.1 સબ-વેરિયન્ટનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો. વિશ્વના 41 દેશોમાં કોરોનાવાયરસનો JN.1 સબ-વેરિયન્ટ ફેલાઈ ગયો છે. એક અહેવાલ અનુસાર, JN.1 સબ-વેરિયન્ટ સૌથી વધુ ફ્રાન્સ, યુનાઈટેડ સ્ટેટ્સ, સિંગાપોર, કેનેડા, બ્રિટન અને સ્વીડનમાં ફેલાયો છે.
ભારતમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરના રોજ કેરળમાં નોંધાયો હતો. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના 412 નવા કેસ નોધાયા હતા. તેમાં સક્રિય કેસોની સંખ્યા 4170 હતા જેમાં JN.1 વેરિયન્ટના 69 કેસ નોંધાયા હતા. JN.1 વેરિયન્ટ એ ઓમિક્રનનો સબ-વેરિયન્ટ છે અને તે BA.2.86 થી બનેલ છે.
કોરોનાવાયરસ-19ની શરૂઆત ક્યારે થઈ?
સૌપ્રથમવાર કોવિડ-19 એ ડિસેમ્બર – 2019માં ચીનના વુહાન શહેરથી ફેલાયો હતો. નોવેલ કોરોનાવાયરસ તરીકે ઓળખાતો આ વાયરસ ત્યારે SARS-CoV-2 વાયરસ તરીકે ફેલાવા લાગ્યો હતો. ચીનમાં જ્યારે 2019માં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ ત્યારે ચીન દ્વારા આ વાત છુપાવવામાં આવી હતી અને એના પરિણામે તે આખી દુનિયામાં ફેલાઈ ગયો. વર્ષ 2019 થી કોરોનાવાઈરસે દુનિયાના બધા જ દેશોમાં ફેલાવાની શરૂઆત કરી હતી જે આજે 4 વર્ષ અને 48 મહિના જેટલા લાંબા સમયે પણ કોરોનાવાયરસ પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાયું નથી.


