રાજકોટનાં નીલકંઠ પાર્કમાં બાજુમાં રહેતાં રાજુ રોકડની પુત્રીની સગાઈ તૂટી જતાં રોકડ બંધુએ સમાજમાં બદનામી તમારા લીધે થઈ છે આરોપ નાંખી ખંડણી માંગી રૂા.10 લાખ પડાવી લીધાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદે કથળેલા છે તેની વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. શહેરના નિલકંઠ પાર્કમાં રહેતા ઉદ્યોગકાર સુરેશભાઇ ટીંબડીયાએ તેના પડોશીઓની ધાક-ધમકી અને ગુંડાગીરી તથા ખંડણીખોરીમાંથી બચવા કોઇ રસ્તો ન દેખાતા અંતે આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત પૂર્વે લખેલી ચીઠ્ઠી કોઇપણ કઠણ કાળજાના માણસનું દીલ પણ ખળભળાવી દે તેવી છે. બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, નીલકંઠ પાર્કમાં આવેલ કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતાં સુરેશભાઈ માવજીભાઈ ટીંબડિયા (ઉ.વ.54) ગઈકાલે બપોરે નવા થોરળામાં આવેલ રામનગર શેરી નં.2 માં જય ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામના ઘડિયાળના કારખાને ગયાં હતાં. જેઓ સાંજ સુધી ઘરે પરત ન ફરતાં તેના પુત્ર મયુરે ફોન કરતાં ફોન પણ ઉપાડ્યા ન હતાં. જે બાદ તે રૂબરૂ કારખાને જતાં ત્યાં તેના પિતા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ,ની ટીમે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઈ આર.આર.સોલંકી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગે મૃતકના પુત્ર મયુરભાઈ ટીંબડિયાની ફરિયાદ પરથી આરોપી રાજુ વેલજી રોકડ અને સંજય રોકડ વિરુદ્ધ આઇપીસીની 306, 323, 386, 387 સહિતનો કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વધુમાં ફરિયાદી માયુરભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પિતા સાથે તેઓ રામનગર શેરી નં.2 માં આવેલ જય ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામના ઘડિયાળના કારખાનું સાંભળે છે. તે એક ભાઈ-એક બહેન છે. તેમની પડોશમાં રાજુ રોકડ અને સંજય રોકડ રહે છે. રાજુની પુત્રીની છ માસ પહેલાં સગાઈ તૂટી ગઈ હતી. જે બાબતે આરોપી રાજુએ તેમના પિતા પર આરોપ મૂક્યો હતો કે તે અમારા જમાઈને ફોન દ્વારા ફોટા મોકલેલ છે જેથી અમારી પુત્રીની સગાઈ તૂટી ગયેલ છે. હવે તારે સમાધાન પેટે બે કરોડ રૂપિયા આપવા પડશે કહી ખંડણી માંગી હતી.
જે બાદ આરોપીઓએ મૃતક સુરેશભાઈ પાસેથી રૂ.10 લાખ પડાવી પણ લીધાં હતાં. બાદમાં બે દિવસ પહેલાં વધું રૂ.25 લાખ માંગ્યા હતાં અથવા ખેતીની જમીનનો સાટાખત કરાવી દેવો પડશે કહીં ધમકી આપી હતી. મૃતક પાસે રૂપિયાની સગવડ ન થતાં અને જમીન આરોપીઓ પચાવી પાડશે તેના ભયમાં અંતિમ પગલું ભરી લીધું હતું અને આપઘાત કરતાં પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી.થોરાળા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
સુરેશભાઇની ચીઠ્ઠીમાં કરૂણ દાસ્તાન : કાયદો મદદે નથી આવતો
કારખાનામાં જ આત્મહત્યા કરી લેનારા સુરેશભાઇ માવજીભાઇ ટીંબડીયાએ છ અલગ-અલગ પેઇજમાં સ્યુસાઇટ નોટ લખી છે. તેમાં લખ્યું છે કે મને આ કાંઇ સારુ લાગતુ નથી. પણ મારો ચહેરો જોઇને મારા પરિવારજનો બહુ ઉદાસ થઇ જતાં હતા. મારા માથે ઘણી બધી જવાબદારી છે. મારે બે દિકરી અને એક દિકરો છે. મને ખબર છે કે મારો માળો વિંખાઇ જશે. પણ સંજય અને રાજુ ધરાતાં નથી. મારો વજન પણ થોડા દીવસમાં ઘણો બધો ઉતરી ગયો છે. જિંદગી જીવવાનો સમય સારો આવ્યો તો કાળ પણ સાથે આવ્યો છે.
બંનેની ભુલ હશે છતાંયે મારા દિકરાને અલગ-અલગ જગ્યાએ બોલાવીને બે વાર માર માર્યો છે. હું જોતો રહ્યો હતો એક શબ્દ બોલ્યો નહોતો. થોડા દિવસ પછી રાજુભાઇએ સમાધાનના નામે રૂ.૧૦ લાખ માંગ્યા. મેં એ રકમ આપી પણ દીધી હતી. પછી તેના ભાઇ સંજયભાઇએ ફોન કરી ૨૫ લાખ માંગ્યા હતાં. બહુ ધમકી આપી ઘણુ બધુ કીધુ હતું. મારા છોકરાને મારી નાખવાની ધમકી આપી હતી. મેં જમીન વેંચવા કાઢી હતી. મારી દીકરીના લગ્ન છે પણ વ્યવસ્થાન કરી શકયો નથી. હું પાગલ જેવો થઇ ગયો છું. રાજુભાઇને બે વાર પચાસ હજાર ઉછીના આપ્યા હતાં. એવુ જોઇને તેની દાનત બગડી ગઇ એને દયા નથી. રાજુભાઇ અને સંજયભાઇને હું ૨૫ લાખ ભેગા કરીને આપી દઉ. જમીન વેચીને આપી દઉ આમ છતાં મને તે જીવુ ત્યાં સુધી હેરાન કરશે. મને ડરાવે છે કે ક્રાઇમ બ્રાંચમાં અમારો જ સ્ટાફ છે. તમારુ ખાનદાન સાફ કરાવી નાંખશુ તેવી ધમકી આપે છે. જમીન વેંચવા કાઢી પણ કમુરતા બેસી ગયા હતાં. આ કારણે તાત્કાલીક વાડી વેંચાતી નથી.
સુરેશભાઇએ આપઘાત પૂર્વે ચીઠ્ઠીમાં એમ પણ લખ્યુ છે કે મારા ગયા પછી મારા અંગ કોઇને કામ આવે તો દાન કરજો. તેની આ ઇચ્છા મુજબ પરિવારજનો તેમના ચક્ષુનું દાન કરાવ્યું છે. મારા ઉપર કોઇ દેણુ નથી. મારી પાસે બધાએ રૂપિયા લીધા છે. મને ઉમ્મીદ છે કે એ લોકો આપી દેશે. આત્મહત્યાનું મને જ્ઞાન છે મજબૂરી છે મને મારો પરિવાર માફ કરે. મારી પાછળ ફાલતુ ખર્ચ કરવો નહી. સંજયભાઇ હવે ત્રણ લાખ રોકડા માંગે છે. જમીનનું લખાણ પણ માંગે છે. મારી પાસે હવે કોઇ રસ્તો નથી. સહિતની વિગતો સુરેશભાઇએ સ્યુસાઇડ નોટમાં લખી છે. તેમજ તેની ઓડીયો કલીપ પણ મોબાઇલમાંથી મળી છે. પોલીસે આને આધારે તપાસ શરૂ કરી છે. બંને આરોપીઓને સકંજામાં લીધા છે.