આરોપીઓએ એકસંપ થઇ, કાવતરું રચી, ઢીકા-પાટુનો માર મારી, છરીથી હત્યા કરી
રાજકોટ શહેર નેશનલ હાઇ-વે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરનગર મફતિયાપરા જતાં રોડની બાજુમાં આવેલ મરણ જનાર વિજયભાઈ કેશુભાઈ બાબરિયાનાઓની વેલનાથ નામની પાનની કેબિન પાસે એકસંપ થઇ, ગુનાહિત કાવતરું રચી આવેલ આરોપીઓએ, ગાંજો પીવાની ના પાડવા બાબતે વિજયભાઈ કેશુભાઈ બાબરિયાનાઓને ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી, છરીના ઘા મારી મોત નીપજાવતા તથા ત્યાં હાજર ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા થોરાળા પોલીસ દ્વારા તા. ૧૬/૦૮/૨૦૨૩ ના રોજ ગુનો નોંધ્યો હતો.
આ ફરિયાદની હકીકત એવી છે કે, આ કામના ફરિયાદીના મરણ જનાર કૌટુંબિક ભાઈ વિજયભાઈ કેશુભાઈ બાબરિયાની ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરનગર મફતિયાપરા જતાં રોડની બાજુમાં આવેલ વેલનાથ નામની પાનની કેબિનએ બપોરે ૧૧:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા આસપાસ ફરિયાદી તથા સાહેદો હાજર હતા તેવામાં આ કામના આરોપીઓ અયાન આરીફ્ભઈ સોલંકી, અરમાન સલિમ બ્લોચ, રાહિલ શરિફભાઈ સાંધ, શકીલ ઇમ્તીયાઝ પરમાર, ફરહાદખાન હનીફખાન પઠાણ તથા બાળ આરોપી રાહિલ ઉર્ફે મામુ પરમારનાઓ એકસંપ થઈ, ગુનાહિત કાવતરું રચી આવેલ અને “તું કાલ કોને ગાંજો પીવાની ના પાડતો હતો” તેમ કહી આ કામના મરણ જનાર સાથે બોલાચાલી કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, છરી વડે શરીરે જીવલેણ ઘા મારી તેમજ બાલ આરોપીએ પણ તેના હાથમાં રહેલ મો.સા. ની ચાવીના કિચનમાં રહેલ નાની છરી વડે મરણ જનારના ખંભા ઉપર છરીના ઘા મારેલ અને ત્યાં હાજર ફરિયાદી અને સાહેદોએ મરણ જનારને બચાવતા તેઓને પણ આ આરોપીઓએ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને મો.સા. માં બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલ અને ફરિયાદી તથા હાજર સાહેદોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયેલ જ્યાં ફરજ પરના ડોક્ટરશ્રીએ આ વિજયભાઈ કેશુભાઈ બાબરિયાનાઓને જોઈ તપાસી મરણ જાહેર કરેલ જેથી થોરાળા પોલીસ દ્વારા ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૬૨૩૦૪૨૭/૨૦૨૩ થી આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૨૯૪(બી), ૧૨૦(બી), ૧૧૪ તેમજ જી.પી.એ. એક્ટ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવેલ જે અંતર્ગત પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ જેના સેશન્સ કેસ નં. ૨૯૪/૨૦૨૩ થી પેન્ડિંગ છે.
ચાર્જશીટ બાદ આરોપીઓ ફરહાદખાન પઠાણ, રાહિલ સંધિ તેમજ શકીલ પરમારએ રાજકોટના મહે. સેશન્સ જજ સાહેબની કોર્ટમાં જામીન અરજી કરેલ જે અંતર્ગત અરજીની સુનાવણી થતાં રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓ, સરકારી વકીલશ્રીની દલીલો તથા મૂળ ફરિયાદી તરફે રજૂ થયેલ વાંધાઓને ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.
આ કામમાં સરકાર તરફે એ.જી.પી. સ્મિતાબેન એન. અત્રિ તથા એ.જી.પી. કમલેશભાઈ બી. ડોડીયા તથા મૂળ ફરિયાદી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરિયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, પરાગભાઈ લોલારીયા, તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, રવિભાઈ સુરાણી રોકાયેલા હતા.