રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભારતના ઇતિહાસમાં અનેક રીતે ઐતિહાસિક અને સુવર્ણ અવસર હતો. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં જે રીતે દિવાળીની માફક ઉજવણી થઇ તેનો ઉત્સાહ હજુ ઓસરતો નથી. પરંતુ આ ઘટનાને બારિકાઇથી જોઇએ તો તેમાં ઘટના અને અનુઘટનાના જે વલયો રચાયા છે તે ખુબ જ રસપ્રદ અને નોંધનિય છે. સૌ પ્રથમ તો સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો મુખ્ય ચહેરો ભગવાન શ્રી રામ જ હતા. પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા પણ મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા. મંદિરમાં જયારે ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવાની વાત આવી ત્યારે રામજન્મભૂમિ ન્યાસના ટ્રસ્ટી અગ્રવાલ સહિતના નામની અટકળો હતો. પરંતુ જયારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઘેર અનુષ્ઠાન અને ઉપવાસ શરૂ કર્યા હતાં ત્યારથી નકકી થઇ ગયુ હતું કે રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વિધી વડાપ્રધાન મોદી કરશે.
જયારે પ્રાણપ્રતિષ્ઠા વિધિનું લાઇવ પ્રસારણ થયુ ત્યારે તેમની સાથે સંઘના વડા મોહન ભાગવત જોવા મળ્યા. પરંતુ સમગ્ર વિધીના મુખ્ય યજમાન વડાપ્રધાન હતાં. સરયુમાં સ્નાન કરીને વડાપ્રધાન રામમંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારથી આ સમગ્ર વિધિમાં તેઓ દેશનો મુખ્ય ચહેરો રહયા. અંતમાં જયારે મંદિર પરિસરમાં મુખ્ય વકતવ્ય થયુ ત્યારે પણ વડાપ્રધાન મુખ્ય ચહેરો રહયા હતાં. પરંતુ નોંધનિય ઘટના એ છે કે સ્ટેજ ઉપરથી મુખ્યત્વે ત્રણ વકતવ્યો થયા. જેમાં સૌ પ્રથમ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વકતવ્ય હતું.ત્યાર બાદ સંઘના વડા મોહન ભાગવતનું વકતવ્ય હતું. અંતિમ પણ મુખ્ય વકતવ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હતું. સ્ટેજ ઉપર રામમંદિર ન્યાસના ટ્રસ્ટી નૃત્ય ગોપાલદાસની હાજરી હતી. પરંતુ તેમનું વકતવ્ય નહોતું. નોંધનિય બાબત એ હતી કે ખુબ ઓછા જાહેર પ્રસંગમાં વડાપ્રધાને સંઘના વડા સાથે સ્ટેજ શેર કર્યુ હશે. દેશના ખુબ જ નિર્ણાયક પ્રસંગમાં વડાપ્રધાને સંઘના વડા મોહનભાગવત સાથે સ્ટેજ શેર કર્યુ હતું. જે ગર્ભિત સંદેશો આપે છે કે, સંઘ અને ભાજપ સંઘ અને સરકાર એક સિકકાની બે બાજુ જેવા છે.
આ ફંકશનમાં ઘણી બાબતોની બાદબાકી થઇ ખાસ કરીને રામજન્મભૂમિ સંઘર્ષમાં જેમણે જાનની આહુતિ આપી તેમને અપેક્ષિત ક્રેડિટ મંચ ઉપરથી ન અપાઇ હોવાની વાત છે. મહેમાનો અને નેતાઓ વચ્ચેનું સતાવર્તુળ રચાયુ તેમાં અંતર રહયુ. રામજન્મભૂમિના પ્રસંગના ઉત્સાહમાં અનેક સુક્ષ્મ બાબતો સપાટી ઉપર ન આવી. કેટલાક વિશ્લેષકો આ પ્રસંગને દેશનો ઓપન રેફરન્ડમ કહે છે. કેટલાક નિષ્ણાતો ભારતમાં અમેરિકા જેવી પ્રેસિડેન્સીયલ પધ્ધતિ લાવવાની પૂર્વ તૈયારી તરીકે જુએ છે. પણ એક વાત સર્વ સ્વીકૃત છે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સાથે હિન્દુ જાગરણનું એક વિરાટ કાર્ય થયુ છે. જન જાગરણ કદાચ જનઆંદોલન બની ચુકયુ છે. આ ચેતનાને હવે દેશમાં વિકાસના માર્ગે એકત્વના માર્ગે વાળવાનો પડકાર છે.મંદિર તો બની ગયુ હવે શું ? એ સવાલ શૂન્યવકાશ ન સર્જે એ મોટો પડકાર છે.