કેતન ત્રિવેદી – સંપાદક ચિત્રલેખા.કોમ
દિલીપભાઈને પહેલીવાર હું લગભગ 1997માં ઇન્ડિયા ટુડે-ગુજરાતીની અમદાવાદ ઓફિસમાં મળેલો. એ સમયે ઇન્ડિયા ટુડે જેવા માતબર ગ્રુપમાં કોપી એડિટર હોવા છતાં એમના વાણી-વર્તનમાં જે સહજતા અને સરળતા અનુભવી હતી એ જ સહજતા અને સરળતા છેક સુધી એમનામાં જળવાઈ રહેલી જોઇ છે, અનુભવી છે. પછી તો ક્રમશઃ જેમ જેમ મિત્રતા વધતી ગઈ એમ એમાં સહજ સ્નેહભાવ ય સતત વધતો ગયો. સહજતા અને સરળતાનો આ ગુણ પત્રકારત્વમાં ત્યારે પણ અપવાદ હતો અને એમનામાં એ છેક સુધી અપવાદ જ રહ્યો.
શું લખવું આ તબક્કે એમના વિશે?
દિલીપભાઈમાં મેં હંમેશા એક ઉત્તમ પત્રકાર જોયો છે. એવો ઉત્તમ પત્રકાર, જેમની પાસેથી દરેક વખતે, રૂબરૂ મળતી વખતે કે વાતચીત કરતી વખતે, દરેક વખતે કાંઇકને કાંઇક નવું શીખવાનું મળે. પત્રકારત્વનું કોઈ એક પાસું એવું નહીં હોય જેના પર દિલીપભાઈ અધિકારપૂર્વક વાત ન કરી શકે. ફક્ત રિપોર્ટીંગ, ભાષા, લેખનશૈલી કે એડિટોરિએલ બાબતોમાં જ નહીં, પ્રિન્ટિંગ સહિતના તમામેતમામ ટેકનિકલ પાસાં અને નવા જમાનામાં ડિજીટલ મિડીયાની ટેકનિકલ બાબતોમાં પણ દિલીપભાઇ એટલું જ ઝીણું કાંતી શકતા. અઘરામાં અઘરી ટેકનિકલ બાબતને તદ્દન સરળ શબ્દોમાં સમજાવી શકવાની કળા એમને કુદરતી સાધ્ય હતી.
દિલીપભાઈ અનુવાદો ઉત્તમ કરતા. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવામાં એમની અદભૂત હથોટી મેં નજરે જોઇ છે. આપણી સાથે વાતચીત કરતાં કરતાં એ સાથે અનુવાદ ય કરતા જાય અને થોડાક વધારે મૂડમાં હોય તો અનુવાદકલા પર એમના અભિપ્રાયો ય આપતા જાય. થોડાક સમય માટે અભિયાનમાં અમે સાથે કામ કરતા ત્યારે મેં એમને ઘણીવાર અનુવાદ કરતા જોયા છે. કમ્પ્યુટરમાં અંગ્રેજીની વર્ડફાઇલમાં જોતાં જોતાં એ અંગ્રેજી પેરેગ્રાફની નીચે જ એનું ગુજરાતી કરતા જાય અને પેરેગ્રાફ પૂરો થાય ત્યારે ઉપરનો અંગ્રેજી પેરેગ્રાફ ડિલીટ કરતા જાય. વચ્ચે વચ્ચે મૂળ અંગ્રેજી લેખકે કઇ કક્ષાનું લખ્યું છે એની વાત ય કરતા જાય. આ બધું કર્યા પછીય એમણે કરેલો અનુવાદ તમે એકપણ વાર જોયા વિના છાપી શકો એ ગેરેંટી. પછી તો જો કે એમણે પુસ્તકોના અનુવાદો ય કર્યા એ બધા જાણે જ છે.
એક પત્રકાર તરીકે કોઈપણ વિષય પરની એમની સમજ અને એમનું નિરીક્ષણ અદભુત હતા. વાત લેખનશૈલીમાં જોડણીની હોય, મૂળ લેખનની ક્ષમતાની હોય, પત્રકારત્વની હોય કે પછી પત્રકારત્વ સિવાયના વ્યવસાયની હોય, દિલીપભાઈ તમારી સાથે વાત કરતા હોય ત્યારે મીલીમીટર અને સેન્ટીમીટરની ગણતરી સાથે કોઇપણ વિષય પર તદ્દન સુરેખ રીતે પોતાનો મત આપી શકે. કોઇપણ વ્યવસાયનું સૂક્ષ્મ આર્થિક ગણિત એ તમને અસાધારણ સહજતાથી સમજાવી શકે. બહુ અદભુત ક્ષમતા હતી એમનામાં એ.
પત્રકારો પણ છેવટે વ્યક્તિગત વિચારો કે લાગણીઓથી પર નથી, આમ છતાં દિલીપભાઈમાં મેં એક ઠરેલપણું હંમેશા જોયું છે. મોટાભાગે કોઇનાથી એ અભિભૂત કે પ્રભાવિત ન થાય. રાજકીય ચર્ચા કરતા હોય ત્યારે પણ ઘટનામાં વહી જઇને એનાથી પ્રભાવિત થવાના બદલે પોતાનો તર્ક આપે. અને તો ય જ્યારે અભિપ્રાય આપે ત્યારે પ્રશંસા કે કડવાશ વિના તદ્દન સુરેખ અને સ્પષ્ટ રીતે આપે.
મને ઘણીવાર થતું કે આ જ દિલીપભાઈ જો પ્રમાણમાં વધારે પ્રોફેશનિલઝમ ધરાવતા અંગ્રેજી પત્રકારત્વમાં ગયા હોત તો? કદાચ એ પોતાની વ્યાપક ઓળખ બનાવી શક્યા હોત. મેં ઘણીવાર વાતચીતમાં એમને આવું કહેલું ય ખરું, પણ હું આવું કહું ત્યારે જવાબમાં એ હળવાશથી અંગ્રેજી પત્રકારત્વ વિશે એમની સમજ અને ધારણાને એટલી સરસ રીતે સમજાવે કે એમાંથી આપણને અંગ્રેજી પત્રકારત્વની બે નવી બાબતો શીખવા મળી જાય!
છેલ્લે છેલ્લે એ ફ્રીલાન્સર તરીકે કામ કરતા હતા ત્યારે એમના મનમાં એક વાત સતત રમતી કે અમદાવાદ છોડીને ક્યાંક ગામડામાં નાનું સરખું ઘર બનાવવું અને ત્યાં રહીને જ વાંચવું-લખવું. (ઘર કઇ રીતે ચાલશે એનું આર્થિક ગણિત પણ એમની પાસે તૈયરા જ હોય) મારા વતનના ગામ, લાઠી તાલુકાના હીરાણા સાથે એ કૌટુંબિક રીતે પણ જોડાયેલા એટલે એ અવારનવાર મને કહેતા, તારા ગામમાં જ એક જ સારું મકાન કે પ્લોટ શોધી દે તો કાયમ ત્યાં રહેવા જતું રહેવું છે. કાશ!
લગભગ બે દાયકા ઉપરાંતના સ્નેહસંબંધમાં મેં એક વાત હંમેશા નોંધી છે. ગુજરાતી પત્રકારત્વને લઈને શરૂઆતમાં એક સારું મેગેઝીન અને પછીના વર્ષોમાં સારું દૈનિક કે ડિજીટલ પ્લેટફોર્મ પોતાની રીતે ઉભું કરવાનું એમનું સપનું હતું. ઘણીવાર કહેતા, મેગેઝીન આમ કઢાય, છાપું આમ કઢાય, ચેનલ આમ ચલાવાય, ડિજીટલ આમ ચલાવાય… એમનું સપનું તો પૂરું થયું, પણ એમાં ખોટ દિલીપભાઇને નથી પડી. એ ખોટ તો સારા ગુજરાતી વાચકની છે, જે એક આવા સારા પબ્લિકેશનથી વંચિત રહી ગયો!