સાથી પક્ષોને લીધા વગર એકલા હાથે કોંગ્રેસની રેલી યોજવાનું પરિણામ : મમતાએ રેલી બંગાળમાં આવે તે પહેલાં જ ગઠબંધનને સાંકેતિક બાય બાય કરી દીધુ
ભગવંત માન, અખિલેશ, માયાવતી, નીતિશ પણ ગમે ત્યારે વિપક્ષી ગઠબંધનને બાય બાય કરી દેશે
ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીની 303 બેઠક સામે માત્ર પર બેઠક મેળવનાર કોંગ્રેસ તેની જુની શાખ ઉપર ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી એકતા માટે નવુ ગઠબંધન ઇન્ડિયાનું નેતૃત્વ કરી રહી છે. પરંતુ ઇન્ડિયા વિષે પોલિટિકલ સર્કિટમાં હવે એવી રમુજ થાય છે કે ઇન્ડિયા બનેગી નહિ, બનેગી તો ચલેગી નહિ, ચલેગી તો જીતેગી નહિ. રાહુલ ગાંધીની રાજકીય અપરિપકવતા અને સોનિયા ગાંધીનો પુત્ર પ્રેમ દેશમાં ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમા મજબુત વિપક્ષ વગરના સંજોગો સર્જશે. ભારતના ઇતિહાસમા મજબુત વિપક્ષ વગરના શૂન્યવકાશની આ પ્રથમ ચૂંટણી બને તો નવાઇ નહિ.
કોંગ્રેસે એક બાજુ વિપક્ષી એકતાનું નેતૃત્વ લીધુ અને બીજી બાજુ રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા સાથી પક્ષોને લીધા વગર એકલા શરૂ કરી કોંગ્રેસનો જનાધાર ચૂંટણી સમયે શોધવાની કવાયત કરી. આથી તમામ સાથી પક્ષોના નેતા ગીન્નાયા છે. ખાસ કરીને આસામમાંથી આ યાત્રા બંગાળમાં જવાની છે. ત્યારે જ મમતાએ સાંકેતિક ભાષામાં યુપીએ ગઠબંધનથી હાથ ખંખેરી નાંખ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતાની ટીએમસી પાર્ટી એકલા હાથ લોકસભાની ચૂંટણી લડશે તેમ કહિ દીધુ છે. જોડાણ સાથે રાખીને પોતાના પગ ઉપર મમતા કુહાડો મારવા નથી માંગતાં. ગત લોકસભાની ચૂંટણીમાં ટીએમસીને રર બેઠક મળી હતી. આટલાં મોટા પક્ષની રાહુલ ગાંધીને કોઇ ગણતરી જ ન હોય તો રાહુલ ગાંધીને મમતા પણ શા માટે નેતા માને ? રાજકિય ક્ષમતાની વાત કરીએ તો પણ દેશમા ભાજપને કોઇએ ડટ કર મુકાબલો કર્યો હોય તો તે મમતા બેજર્જીએ કર્યો છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ન માત્ર વિજય મેળવ્યો છે. તેમણે ત્યાર બાદની પેટા ચૂંટણીમાં પણ સારો દેખાવ કર્યો છે.
જે સીપીએમને મમતાએ પશ્ચિમ બંગાળમાં સાફ કરી અને પશ્ચિમ બંગાળને ભાજપ સીપીએમ મુકત રાખ્યુ છે તેને કોંગ્રેસ સાથે રાખી પશ્ચિમ બંગાળમાં ગઠબંધન કરવા માંગે છે. મમતા પોતાના પગ ઉપર કુહાડો મારે નહિ. રાહુલની આ રાજકિય બાલિશતા ગઠબંધન માટે ‘રાહુ’ બની છે.
માત્ર પર બેઠકમાં બીગ બ્રધર ન બનાય એવુ રાહુલને સૌ પ્રથમ મમતાએ આડકતરી રીતે કહયુ છે. ભગવંત માને પણ કહી દીધુ કે પંજાબમાં તમામ ૧3 બેઠક ઉપર આમ આદમી પાર્ટી એકલાં હાથે ચૂંટણી લડશે. એટલે કે જુની ચુંટણીની ગણતરી મુજબ સો ટકા પરીણામ ગણીએ તો 33 બેઠક તો લડયા પહેલાં જ વિપક્ષી ગઠબંધન ગુમાવી ચુકયુ છે. નીતિશ પણ રાહુલ ગાંધીની નેતાગીરીમાં સંઘ કાશીએ પહોંચે તેવુ ન લાગતું હોવાથી ફરી એક વખત ભાજપ એનડીએન શરણમાં જવા થનગને છે.
મહારાષ્ટ્રમા એનસીપી ની પ બેઠક અને ઉધ્ધવની શિવસેનાની ૧૮ બેઠક હતી. હવે એનસીપી અજીત પવાર જતાં લંગડી થઇ ગઇ છે. ઉધ્ધવની શિવસેનામાંથી શશિંદે અને સાથીઓ ચાલ્યા ગયા બાદ નામની બચી છે. આમ મહારાષ્ટ્રમાં હવે ર3 બેઠકમાંથી વિપક્ષી ગઠબંધનના સાથીઓ ર૪ની ચૂંટણીમાં કેટલી બચાવી શકે છે તે પડકાર રહેશે.
ભાજપના રામ મોજા સામે દેશમાં સૌ પ્રથમ વખત વન સાઇડ ગેમ ચાલી રહી છે. એક સમયે વેસ્ટ ઇન્ડિઝની ટીમ કલાઇવ લોઇડની કપ્તાનશીપમાં અજેય ગણાતી હતી. લોકો રોબર્ટ,માર્શલ,વોલ્સની કાતીલ બોલીંગ જોવા આવતાં,રિચાર્ડસ કાલીચરણની બેટીંગ જોવા આવતાં અને વિન્ડીઝની ટીમ કેવી રીતે હરિફને કચડે છે તે જોવા માટે આવતાં એવો જ ઘાટ ર૪ની ચૂંટણીમા ભારતમાં સર્જાયો છે. ભાજપની ટીમ વિન્ડિઝની ક્રિકેટ ટીમ જેવી અજેય બની ચુકી છે. સામે કયાંય રાષ્ટ્રિય સ્તરે કયાંય હરિફાઇ દેખાતી નથી. જે પ્રાદેશીક પક્ષો ભાજપ સામે લડશે અને તેમની બેઠક બચાવશે એ જ પરિણામ દેખાય છે.