રાજયમાં જમીન સંપાદન કેસમાં નેશનલ હાઇ – વે ઓથોરીટીના વલણની હાઇકોર્ટની ટીકા આજની વાસ્તવિક સ્થીતિ બતાવે છે
કયારેક કયારેક સામાન્ય નાગરિકોની પિડા લાચારીમાં ફેરવાઇ જાય છે. અંગ્રેજોથી દેશ આઝાદ થયો પરંતુ બાબુશાહિની નવી વ્યવસ્થા લગભગ સરમુખત્યારશાહીની નજીક પહોંચી ગઇ. દેશમાં રાજકારણીઓ ઘણી વખત વધુ બદનામ થાય છે. તેની સામે ફરિયાદ હોય તો તેની લોકપ્રિયતાને અસર કરે છે. તેમને બીજી વખત ચૂંટાવાનું હોય છે. તેથી રાજકારણીઓમાં બહુમતી લોકો પ્રત્યે સકારાત્મક અને ઉપયોગીતાનો ભાવ રાખતાં હોય છે. પરંતુ જેને બ્યુરોક્રસી કહેવાય છે એ અમલદારશાહિ કાયદાઓના જંગલમાં લોકોને એવા ઉલઝાવી દયે છે કે લોકો આવી સંભવિત મૂશ્કેલીનો પ્રેકટીકલ રસ્તો ભ્રષ્ટાચાર તરફ સામેથી વળી જાય છે. જે લોકો લાચાર છે અથવા બાબુશાહી અને ખાસ કરીને સરમુખત્યારશાહીની આ સિસ્ટમને પ્રેકટીકલી નથી સમજતાં તેમનુ પરિણામ વણલિખિત હોય છે. વિલંબ, ધકકા ખવડાવવા અને તુમાખી દેખાડવી.
રાજયમાં જમીન સંપાદનને લગતાં કેસમાં જમીન સંપાદન બાદ પણ વર્ષો સુધી જમીનનો ઉપયોગ નહી કરવા મુદે અને મૂળ જમીનના માલિકોને વળતરથી વંચિત રાખી ખોટી રીતે હેરાનગતિ થતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લઇઆજે નેશનલ હાઇવે ઓથોરીટી સતાવાળાઓનો ઉધડો લીધો હતો. ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂધ્ધ માયીની ખંડપીઠે આવા ગેરજવાબદાર વલણ લઇ નેશનલ હાવે ઓથોરીટીને કડક ચેતવણી આપી હતી. ન્યાયધિશોએ જણાવ્યુ હતું કે સતાવાળાઓની આ પ્રકારની ગેરવ્યવસ્થાને કારણે સામાન્ય જનતાને કાયદાની આંટીઘુંટીમાં ખોટી રીતે હેરાનગતિનો ભોગ બનવા દેવાય નહી. તમારા આવા બિનજરૂરી લીટીગેશન્સના કારણે લોકો રડી રહયા છે અને તમે એક સરમુખત્યારની જેમ વર્તો છો.જે કોઇ પણ રીતે સાંખી શકાય નહિ.
ન્યાયધિશોએ આપેલો આ પ્રકારનો ચુકાદો આવકારદાયક છે. કારણ કે ટોચ ઉપર બેઠેલા અધિકારીઓ અને તેની નીચેની પાયરીના તેમના મદદનિશો તેમને મળેલી સતાનો બેફામ ઉપયોગ કરવામાં એક પ્રકારનો આનંદ માણતાં હોય એવુ તેમની સાથેના રોજીંદા વ્યહવારમાં લાગે. વિકાસનું બાહ્ય પરિવર્તન આવ્યુ છે પરંતુ અરજદાર હંમેશા સેકન્ડકલાસ સિટીઝન્સ બની જાય. અધિકારીઓ કે સરકારી કચેરીઓમાં એક લોખંડી વાતાવરણ બન્યુ હોય. જે પૈસા સિવાય ન ભેદી શકાય એવુ. આ વ્યવસ્થા કોઇ બાકોરુ ન પાડી જાય એ માટે આ સરમુખત્યારશાહિ જ સહુથી વધુ મોટુ હથિયાર હોય છે.
વિકાસ માત્ર રસ્તાઓ ,બ્રીજ, રેલવે,એરપોર્ટ અને હોસ્પિટલો બનાવવાથી નથી થતો. લોકોના રોજીંદા જીવનમાં પડતી હાલાકીઓ દૂર કરે એવુ ન્યાયિક તંત્ર દરેક સરકારી કચેરીઓમાં હોવુ જોઇએ. પોલીસ તંત્ર અને રેવન્યુ અને કેટલીક વિશાળ ધરાવતાં તંત્રની કચેરીમાં તમે પ્રવેશો એટલે તમે બીજા ભારતમાં પ્રવેશી ગયા હો તેવુ લાગે. તમારા પ્રવેશ સાથે જ તમે તેમના અરજદાર અને યાચક બની જાવ છો. જો તમે ગુજરાત હાઇકોર્ટે કહયુ તેમ સામાન્ય નાગરિક હો તો આ લાચારી વધી જાય. વગદારો માટે અદ્રશ્ય મદદની જોગવાઇ હોય.
આપણી બાહય પ્રગતિ હવે નજરે દેખાય છે. પરંતુ લોકશાહિમાં અમલદારશાહિ સરમુખત્યારશાહિમાં પરિવર્તીત થઇ રહી છે તેની સામે સાર્વત્રિક જાગૃતિ અભિયાન અને વિચાર મંથન કરી સુધાર આવશ્યક છે. લોકશાહિનો ખરો અર્થ એ જ છે કે લોકોને ન્યાયિક સ્વતંત્રતા મળવી જોઇએ. આ અરજદાર અને અમલદાર વચ્ચે રાજા અને પ્રજા જેવો વણલખ્યો વહેવાર છે એ બદલાવો જોઇએ. ખાસ કરીને સતાની તુમાખી અને સરકારની તાકાતનો જે સતાવાળાઓને મળેલો પાવર મીસયુઝ કરતાં અધિકારીઓને રૂકજાવ નો આદેશ આપતી વ્યવસ્થા વ્યાપક બનવી જોઇએ. અંગ્રેજો ગયા અને તેનો વારસો આ સરમુખત્યારોના હાથમાં ન રહેવો જોઇએ. હાઇકોર્ટનો ચુકાદો ન માત્ર આવકારદાયક છે. પરંતુ તેને વધુને વધુ તેજસ્વી નાગરિકો,પ્રબુધ્ધો, વકિલો,મિડિયાએ એકટીવઝમ બનાવી તેનો પ્રતિરોધ કરતો રહેવો પડશે. તો જ સાચી આઝાદીના લોકોને ફળ મળશે.