અખબારોમાં તમે અવાર-નવાર સમાચાર વાંચતા હશો. પિતાએ મોબાઇલ ન લઇ દેતા સંતાનનો આપઘાત, પરીક્ષામાં નાપાસ થતાં વિદ્યાર્થીનો આપઘાત, સગાઇ તૂટી જતાં યુવકનો આપઘાત, મા-બાપે ઠપકો આપતાં સંતાનનો આપઘાત. જીવનને નબળા મનના લોકોએ એટલું સસ્તું બનાવી દીધુ છે કે લોકો નાનકડી પીડામાં જીવનના પડકારો ભુલી જાય છે. જીવનની સુંદરતા ભુલી જાય છે. ઇશ્વરે દીધેલું જીવન વેડફી નાંખે છે. જેમને આપઘાતમાં નબળા વિચાર આવતા હોય અથવા તંદુરસ્ત હોવા છતાં નબળી માનસિકતા ધરાવતા હોય તેવા લોકો માટે એક દાખલારૂપ મહિલા છે. જેનું નામ ધરા શાહ છે. મૂળ સાવરકુંડલાની વતની પરંતુ સાસરું અને પતિ અમેરિકા હોવાથી અમેરિકા રહે છે. તેના જીવનમાં લગ્ન બાદ ગર્ભાવસ્થા આવી અને પ્રસુતિ સમયે તબિયત લથડી જતાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધાં. મિનિટો સુધી હૃદય બંધ રહ્યું અને તબીબી પ્રયત્નોથી ફરી ધબકતું થયું. કોમામાં સરી ગયા. તેમાંથી બહાર આવ્યા. તેમની તબિયત બગડી, ગેંગરીંગના કારણે હાથ અને પગ અડધા કાપી નાંખવા પડયા. ભાનમાં આવ્યા બાદ આ યુવતી તબીબી ભાષામાં ટ્રાઉમામાં સરી પડે અને વાસ્તવિકતાનો સામનો ન પડે અને હતાશામાં ગરકાવ થઇ જાય તેવી શકયતા હતી. પરંતુ ધરા શાહએ આવી પડેલી પરિસ્થિતિમાં એક માત્ર તેનું નવજાત બાળક બચી ગયું હતું તેનો ચહેરો જોવા અને તેને સ્પર્શવા માટે વ્હીલચેરમાં પણ જીવન ગાળવાની તૈયારી બતાવી આજે ધરા શાહ પ્રોસ્થેટીક પગની મદદથી ચાલી નહી પરંતુ દોડી શકે છે અને મેરેથોનમાં ભાગ લઇ શકે છે. તેની રોજીંદી રસોઇ સહિતની પ્રવૃતિ કરે છે. ધરા શાહનું જીવન તંદુરસ્ત લોકો માટે પણ હતાશાની પળમાં મોટીવેશનલ સ્પીચથી પણ વધારે માર્ગદર્શક બની શકે છે.