- વિયેતનામમાં ફસાયા હતા ગુજરાતી
- 10 કલાક બંધક બનાવ્યા બાદ છૂટકારો
- ભારતીય દૂતાવાસે દરમિયાનગીરી કરી
સુરતના લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા યોજવામાં આવેલી વિયેતનામની ટૂરમાં લોકોને કડવો અનુભવ થયો છે. ટૂર ઓપરેટરે નાણાંના ગોટાળા કર્યા હોવાથી ગુજરાતી પ્રવાસીઓને ક્રૂઝ પર રોકી લેવામાં આવ્યા અને લગભગ 10 કલાક સુધી તેમને બંધક બનાવાયા હતા, જો કે આખરે તેમનો છૂટકારો થયો હતો.
350 લોકોનું હતું ગ્રુપ
હકીકતે આ ઘટનાની માહિતી પ્રમાણે સુરતથી તાજેતરમાં 350 લોકોનું જૂથ વિયેતનામ ફરવા ગયું હતું જ્યાં ટૂર ઓપરેટરે કેટલીક જગ્યાએ રૂપિયા ચુકવ્યા ન હોવાથી 157 લોકોને ક્રૂઝ પર જ બંધક બનાવી લેવાયા હતા. જોકે આ ટૂરના ઓપરેટરે હોટલ માલિકને 1.07 કરોડ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરીને તમામ પ્રવાસીઓને એરપોર્ટ પર અટકાવ્યા હતા. મુસાફરો હોટલ સ્ટાફને ધક્કો મારીને ત્યાંથી એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા. અહીં હોટલના સ્ટાફે જ ચાલાકીથી 157 જેટલા સુરતીઓને વિયેતનામમાં બંધક બનાવી લીધા હતા.લગભગ 10 કલાક સુધી બંધક રહ્યા પછી ભારતીય દૂતાવાસની મધ્યસ્થીથી આ લોકોને છોડાવામાં આવ્યા હતા. જેમાં ખાસ તો કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે તેમની મદદ કરી હતી.
પ્રવાસીઓને કડવો અનુભવ
આ પ્રવાસીઓને ક્રૂઝ પર કડવો અનુભવ થયો હતો. ક્રૂઝ પરના લોકોએ ઘણી માથાકૂટ કરી ત્યારે ત્રણ ક્રૂઝને દરિયા કિનારે લાવવામાં આવી પરંતુ બે ક્રૂઝ મધદરિયે ઉભી રાખી દેવાઈ હતી. એટલું જ નહીં, જે લોકોને દરિયાકિનારે લાવવામાં આવ્યા હતા તેમને હોટેલ સુધી પણ જવા દેવાયા ન હતા. આ રીતે તેમણે સવારના 10 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી હેરાનગતિમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યાર પછી જ્યારે સુરતના પ્રવાસીઓ હોટેલ પહોંચ્યા ત્યારે તેમની પાસેથી વ્યક્તિ દીઠ 80-80 ડોલર વધારે ઉઘરાવવામાં આવ્યા હતા.
એરપોર્ટ પર પણ થઈ હેરાનગતિ
આ ઉપરાંત આ લોકોને એરપોર્ટ પર પણ હેરાનગતિ સહન કરવી પડી હતી. 12 ઓક્ટોબરે એક જૂથ પરત આવી રહ્યું હતું ત્યારે હોટેલના રૂપિયા ચુકવવાના બાકી હોવાથી સ્ટાફના કેટલાક લોકો એરપોર્ટ પર દોડી આવ્યા હતા અને ઇમિગ્રેશન સ્ટાફ સાથે ઉભા રહી ગયા હતા. આ દરમિયાન એક સુરતી પ્રવાસીનો પાસપોર્ટ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરવામાં આવતા પ્રવાસીના પત્નીએ એરપોર્ટ સ્ટાફને તમાચો માર્યો હોવાનું કહેવાય છે. જેના કારણે પોલીસને બોલાવવામાં આવી હતી તથા પતિ-પત્નીના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. પતિ-પત્ની તથા બીજી એક વ્યક્તિને બેસાડી રાખવામાં આવતા તેઓ ફ્લાઈટ ચૂકી ગયા હતા જ્યારે બાકીના લોકો સુરત આવવા રવાના થઈ ગયા હતા.
હેમખેમ છૂટકારો
જો કે અંતે આ તમામ લોકોનો હેમખેમ છૂટકારો થયો હતો. સુરતથી ગયેલા આમાંના કેટલાક પ્રવાસીઓએ તેમની સુખાકારી અને સલામતી દર્શાવતા વીડિયો શેર કર્યા હતા. આ પ્રવાસીઓએ તેમને મુક્તિ અપાવવામાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા બદલ દર્શનાબેન જરદોશ અને ભારતીય દૂતાવાસનો આભાર માન્યો હતો.