- સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રિ પર્વને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ
- આવતીકાલથી નવ દિવસ માતાજીની આરાધના માટે માઈ ભક્તો આતુર
- નવરાત્રિ શરૂ થવાને જિલ્લા મથકના મુખ્ય બજારમાં ખરીદી ખુલી
સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે રવિવારથી માં આદ્યશકિતની આરાધના કરવાના ૫ર્વ સમાન નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીના આયોજનમાં આ વર્ષે પણ શહેરી વિસ્તારોમાં પાર્ટી પ્લોટ થતા ખાસ કરીને યુવા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના દિવસો નજીક આવતા શહેરની બજારોમાં નવરાત્રીની ખરીદી ખુલી છે. જયારે ગરબા મંડળના આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ લોકો માતાજીની ચૂંદડી, શણગાર, દીવા, ધુપ, અગરબત્તી, પ્રસાદ સહિતની ખરીદી કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે તા. 15મી ઓકટોબરને રવિવારથી નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે પણ શહેરમાં વીવીધ પાર્ટી પ્લોટનું આયોજન થતા ખાસ કરીને યુવાધનમાં ગરબે ઘુમવા થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ શહેરમાં ગરબીના આયોજકો ગરબીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે. સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 200થી વધુ પ્રાચીન શેરી ગરબીઓ યોજાય છે. આયોજકો દ્વારા મંડપ, શણગાર, માઈક, ઢોલ, બેન્જો સહિતના સાધનો તૈયાર કરી તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ નવરાત્રી શરૂ થવાની હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો જ બાકી હોય સુરેન્દ્રનગર શહેરની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માતાજીની ચુંદડી, હાર, ધુપ, અગરબત્તી સહીતની ખરીદી કરતા હતા. નવરાત્રીની ખરીદી ખુલતા નાના ધંધાર્થીઓને પણ રાહત થઈ હતી. જયારે નવરાત્રી પર્વે પોલીસ તંત્ર પણ સાબદુ થયુ છે. નવરાત્રી સમયે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પાર્ટી પ્લોટથી લઈ તમામ શહેરના પ્રાચીન ગરબાના સ્થળે પોલીસ તૈનાત કરી દેવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
સુરેન્દ્રનગર શહેરની પ્રખ્યાત પ્રાચીન ગરબીઓ
સુરેન્દ્રનગર શહેરમાં આમ તો અનેક સ્થળે પ્રાચીન ગરબીઓ યોજાય છે. પરંતુ વર્ષોથી પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબી, અલકા ચોકની પંચવટીની ગરબી, રતનપર દેવ સોસાયટની ગરબી, વાઘેશ્વરી સોસાયટીની ગરબી, વઢવાણના સતવારા પરાની ગરબી, હાડીમાના ચોકની ગરબી, જોરાવરનગરના નીલકંઠ મહાદેવ મંદીરની ગરબી, રામજી મંદીરની ગરબી, માઈ મંદીરની ગરબી, જેલ ચોકની ગરબી, ક્ષત્રીય સમાજની વાડીમાં યોજાતી ગરબી, સોની સમાજની ગરબી એ મુખ્ય ગરબીઓ છે. આ ઉપરાંત શહેરના પતરાવાળી ચોકમાં યોજાતી ગરબીમાં માત્ર પુરૂષો જ ગરબે ઘુમે છે અને માઈક વગર ગરબા ગાય છે.
ચોટીલા ડુંગરે મંદિરમાં નવરાત્રિ પર્વને લઈ સવારની આરતીનો સમય વહેલો કરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં માં ચામુંડાના બેસણા છે. શકતીપીઠ એવા ચોટીલા ડુંગરે દર વર્ષે માતાજીની અનોખી ભકતી અને આરાધના કરવામાં આવે છે. ચોટીલા ડુંગર મહંત પરીવાર દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીને વીવીધ શણગાર કરવામાં આવશે. નવરાત્રી પર્વને લઈને ચોટીલા ડુંગરે સવારની આરતીનો સમય પણ વહેલો કરી દેવાયો છે. જયારે હવનાષ્ટમીએ યોજાતા ભવ્ય હવનની પણ તૈયારીઓ ડુંગરે શરૂ કરી દેવાઈ છે.
સુરેન્દ્રનગર શહેરમાં પાર્ટી પ્લોટનું આયોજન થતા યુવાધનમાં પણ અનેરો ઉત્સાહ
આ વર્ષે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના આયોજનથી ખાસ કરીને યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની દુધરેજ કેનાલ પાસે કલ્હાર નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન કરાયુ છે. જયારે જીન કમ્પાઉન્ડમાં ઝમાવટ 2023 નવરાત્રી મહોત્સવ યોજાશે. આ ઉપરાંત પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ઝુમે ઝાલાવાડ, રોટરી કલબ ઓફ વઢવાણ સિટી દ્વારા કેમ્બ્રીજ સ્કુલ ખાતે અને રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગર ખાતે ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાનાર છે.
નવરાત્રિ પર્વે 108નો 100થી વધુનો સ્ટાફ 20 વાન સાથે ખડેપગે રહેશે
હાલ હૃદયરોગના હુમલાના બનાવો વધતા હોવાથી નવરાત્રી પર્વે આવો બનાવ બને તો તુરંત સારવાર મળે તે માટે કલેકટરે ખાસ તાકીદ કરી છે. ત્યારે સુરેન્દ્રનગર 108 ઈમરજન્સી સેવાનો 100થી વધુનો સ્ટાફ અને 20 વાન એમ્બ્યુલન્સ વાન સાથે ખડેપગે રહેનાર છે. આ અંગે 108ના જિલ્લાના અધિકારી આમીરહુસેન મન્સુરી તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે અમારો કોઈ કર્મી રજા રાખતો જ નથી. ત્યારે નવરાત્રી પર્વે પણ ખાસ કરીને રાતના સમયે તમામ 20 વાનના પાયલોટ અને ઈએમટી એલર્ટ રહેશે. કોલ મળ્યાના ગણતરીના કલાકોમાં પહોંચી જશે.