- US ફેડરલ ટ્રેડ કમિશનના નામે ફોન કરી એમેઝોન એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યાં
- દિલ્હી સીબીઆઈએ જેમ્સ કાર્લસન નામધારી શૈશવ સામે ગુનો નોંધ્યો
- પોલીસ દ્વારા પકડાયેલા કોલ સેન્ટરમાંથી યુએસ કોર્ટનું વોરન્ટ મળી આવ્યુ
યુએસના નાગરિકનો એમઝોન એકાઉન્ટનો ઉપયોગ કરીને 1,30,000 ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કરવા મામલે દીલ્હી સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી છે. દીલ્હી સીબીઆઈએ ઘાટલોડિયાના શ્રીનાથનગર સોસાયટીમાં રહેતા રામાવત શૈશવ ઉર્ફે જેમ્સ કાર્લસન ઉર્ફે અતુલ કુમાર સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા પકડાયેલા કોલ સેન્ટરમાંથી યુએસ કોર્ટનું વોરન્ટ મળી આવ્યુ હતુ.
દીલ્હી સીબીઆઈ દ્વારા દાખલ કરેલી એફઆઈઆરમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, યુએસમાં રહેતા જેફરી ઉપર કોઈ વ્યકિતએ ફોન કરીને જણાવ્યુ હતુ કે, તે એમેઝોનમાંથી બોલે છે અને FTC (યુ.એસ.ના ફેડરલ ટ્રેડ કમિશન) સાથે કામ કરે છે. આ પછી કોલ જેફરીને તેનો SSN (સામાજિક સુરક્ષા નંબર) આપવામાં આવ્યો હતો. કોલ સેન્ટરમાંથી કોલ 30મી ઓગષ્ટ 2022થી 9મી સપ્ટેમ્બર 2022 સુધી ત્રણ અલગ અલગ નંબરોથી કોલ કર્યો હતો અને બીટકોઈન વોલેટમાં નાણાં પડયાનું કહીને વોલેટ ઓપન કરવા જણાવ્યુ હતુ. આ સમયે ભોગ બનેલી જેફરીએ સત્તાવાર રીતે પત્રની માંગણી કરી હતી. તે વખતે કોલ સેન્ટર ચલાવનાર વ્યકિતએ 20મી સપ્ટેમ્બરના રોજ યુએસ વોશિંગ્ટન ડીસી ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા લખેલ પત્ર ઈ-મેઈલ કર્યો હતો. ત્યારબાદ જેફરીએ તેનું વોલેટ ખોલતાની સાથે કોલ સેન્ટર ચલાવનારએ અલગ -અલગ તારીખે ખાતામાંથી 1,30,000 ડોલર બિટકોઈનમાં જેમ્સ કાર્લસનના ખાતામાં સેરવી લીધા હતા. જેની તપાસ કરતા માલુમ પડયુ હતુ કે, રામાવત શૈશવ ઉર્ફે જેમ્સ કાર્લસન ઉર્ફે અતુલ કુમાર શ્રીનાથનગર સોસાયટી, ઘાટલોડિયા અમદાવાદના વ્યકિત છે. આ અંગે ભારત સરકારને જાણ કરવામાં આવી હતી.