- રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય : હવામાન વિભાગ
- 15 અને 16 ઓકટોબર સામાન્ય વરસાદની શક્યતા
- આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે ત્યારે વરસાદના જતાં જતાં પણ સામાન્ય વરસાદ વરસાવીને મુશ્કેલી વધારી શકે છે. જેમાં જ્યાં એક તરફ અમદાવાદમાં વર્લ્ડકપનો મહામુકાબલો રમાવવા જઈ રહ્યો છે ત્યારે આજે મેચ દરમિયાન વરસાદ પડશે કે નહીં તે સૌ ક્રિકેટ રસીકોનો પ્રશ્ન છે જે અંગે હવામાન વિભાગ અનુસાર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. જેમાં વરસાદની શક્યતા ઓછી જોવામાં આવી રહી છે.
જ્યારે બીજી તરફ રાજ્યના વિવિધ ભાગોમાં શનિવારે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.અમદાવાદમાં શનિવારે તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓકટોબરે સામાન્ય વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ, ભરુચ, ડાંગ, કચ્છ,નર્મદા, ભાવનગર, ખેડા, મહીસાગર, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા,તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. જેની સાથે જ સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેના કારણે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જેની સાથે જ રાજ્યમાં આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે 15 અને 16મી તારીખે કેટલાક વિસ્તારો જેમકે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
બીજી તરફ આગામી દિવસોમાં નવરાત્રી દરમિયાન વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, 14 થી 17 ઓક્ટોબરના કમોસમી વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. જ્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર ચક્રવાત અંગે પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.