- મોડી રાતથી જ દર્શકો પહોંચ્યા સ્ટેડિયમની બહાર ભારે ભીડ
- દિલ્હી, બેંગ્લુરુથી લઈ ખૂણે ખૂણેથી પહોંચ્યા દર્શકો
- ક્રિકેટ રસિકો માટે સ્ટેડિયમની બહાર તહેવારી જેવી સ્થિતિ
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે આજે મહામુકાબલો થશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને અંદર પ્રવેશ આપવાનું શરૂ કરાશે. પરંતુ મોડી રાતથી લોકો સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતાં. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોદી સ્ટેડિયમ ખાતે મેચનો માહોલ પહેલાં દર્શકોમાં ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો હાથમાં ભારતનો ઝંડો લઈને ઊભા હતા.
મોડી રાતથી સ્ટેડિયમની બહાર દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ રસિકો પહોંચી રહ્યા છે. જેની સાથે જ સ્ટેડિયમની બહાર માત્ર ભારતીય ક્રિકેટરોનાં જ ટી-શર્ટ વેચાણ થતું હતું. લોકો ભારત ટીમનાં ટી-શર્ટ લેવા માટે પણ આવ્યા હતા. લોકો સ્ટેડિયમની બહાર ઉભા રહી અને સેલ્ફી તેમજ ફોટો પડાવતા નજરે પડ્યા હતા. સ્ટેડિયમની બહાર લોકોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળી હતી.
અમદાવાદ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી મેચની મજા માણવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત નાના બાળકોથી લઈને મોટા લોકો સ્ટેડિયમની બહાર ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પહેરીને ફોટો પડાવી રહ્યા હતા. જેમાં દર્શકો બેંગ્લુરુથી અહીં મેચ જોવા પહોંચ્યા છે અને તેમનું કહેવું છે કે, આ તેમનો સૌથી મોટો તહેવાર છે. જેને તેઓ ગુમાવવા માંગતા નથી.
આ સાથે કેટલાક લોકો બહારથી પણ આવ્યા છે. રાહુલ દ્રવિડનો ફેન કોલકાતાથી અમદાવાદ ફક્ત મેચ જોવા માટે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હેલ્મેટ પહેરવાના અનોખો સંદેશ આપવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યો જોવા મળ્યો હતો. જે મેચની સાથે લોકોને સુરક્ષા માટેનો મેસેજ આપી રહ્યો હતો.
આજે સવારે 10 વાગ્યાથી પ્રવેશ
મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને અંદર પ્રવેશ આપવાનું શરૂ કરાશે. 12.30 વાગ્યાથી મનોરંજન કાર્યક્રમ, 1.30 વાગ્યે ટોસ થશે અને 2 વાગ્યે મેચ શરૂ થશે. ટિકિટ, મોબાઇલ, પર્સ, ચશ્માં, કેપ, જરૂરી દવા, લાકડી વગરના ઝંડા લઈ જઈ શકશો. ફટાકડા, પાણીની બોટલ, લેપટોપ/આઇપેડ, ઇલેક્ટ્રિક સિગારેટ, સૉફ્ટ ડ્રિંક, માચીસ, લાઇટર, છત્રી, હેલ્મેટ, પાવરબેન્ક, સેલ્ફી સ્ટિક, લેસર લાઇટ અને હોર્ન સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશો નહીં.
થોડીવારમાં સ્ટેડિયમ માટે નીકળશે ટીમ ઈન્ડિયા
આ તરફ ટીમ ઈન્ડિયા થોડી વારમાં સ્ટેડિયમ જવા રવાના થશે. ત્યારે ITC નર્મદામાં ટીમ ઈન્ડિયાની રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ બહાર પણ સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. રાતથી કેટલાક ફેન્સ હોટેલ બહાર પહોંચી ગયા છે. ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે ફેન્સનો હોટેલ બહાર જમાવડો જોવા મળી રહ્યો છે.