- 10 હજારથી વધુ ખેલૈયા ગરબા રમશે
- અકસ્માત વીમો રૂ. 6.50 કરોડ, ડૉક્ટર, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી ટીમ, વોશરૂમ ની સુવિધા
- રવિવારે રાત્રે 8.30 કલાકે માં અંબિકાની આરાધના સાથે ગરબા મહોત્સવનું પ્રારંભ
નવરાત્રિ મહોત્સવના ગણતરીના કલાક બાકી રહ્યા છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગનાટ કરી રહ્યા છે.અને ગરબા મહોત્સવના આયોજકો દ્વારા પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે. નડિયાદ શહેરમાં સંતરામ દેરી નજીક સૌથી મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ગરબા ગ્રાઉન્ડમાં એક સાથે 10 હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. ગરબા રમવા ગ્રાઉન્ડમાં હિન્દુધર્મના લોકોને પ્રવેશ અપાશે. ગ્રાઉન્ડ ખાતે કેમેરા , ડોકટર ટીમ,એમ્બ્યુલન્સ , ફાયર સેફટી ટીમ પાર્કિગ , વોશરૂમ ની સુવિધા તેમજ ગ્રાઉન્ડમાં સિક્યુરીટી માટે 50 ઉપરાંત હિન્દુ બાઉન્સરો તેમજ સિક્યુરીટી ગાર્ડ ખડેપગે તૈનાત રહેશે.
આ ગરબા મહોત્સવના આયોજક કાઉન્સીલર સંજય પટેલ , પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ દ્વારા દ્વિતિય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તા. 15મી નારોજ રવિવારે રાત્રે 8.30 કલાકે માં અંબિકાની આરાધના સાથે ગરબા મહોત્સવનું પ્રારંભ થશે. આ પ્રસંગે સંતરામ મંદિર, સંતરામ દેરી ના સંતો , બીએપીએસ સ્વામિ. મંદિર સંતો, કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ , અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ, પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ ઉપસ્થિત રહેશે. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ગરબા રમવામાં કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે ગરબા ગ્રાઉન્ડમાં હિન્દુધર્મના લોકોને પ્રવેશ અપાશે. ગ્રાઉન્ડમાં ડોકટર ટીમ, એમ્બ્યુલન્સ , ફાયર સેફટી અંગે સ્પે. ટીમ ,ફૂડઝોન, વોશરૂમ તેમજ સિનિયર સિટિઝન માટે બેસવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે 9 થી 11 વાગ્યા સુધી દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ગરબા માટે 200 કિલોવોટ વીજપુરવઠો ઉપયોગ થશે
માં શકિત ઉત્સવ ગ્રુપના આયોજકોએ જણાવ્યું હતું કે, ગરબામાં લાઇટીંગ, લાઉડસ્પીકર , રોશની માટે 200 કિલોવોટ વીજપુરવઠા અંગે બે ડી.પી ગોઠવવામાં આવી છે. 125 કિલોવોટ અને 75 કિલો વોટ વીજપુરવઠાની ડી.પી ગોઠવી છે. આ ઉપરાંત ચાર મોટા જનરેટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.