- દુષ્યંત સોનીએ લીધું નવું નામ
- અલ્પેશ નામના માણસ પાસેથી ઘી ખરીદ્યું હોવાનું રટણ
- પોલીસ તપાસમાં નવું નામ સામે આવ્યું
અંબાજી મોહનથાળ પ્રસાદ નકલી ઘી કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે. અંબાજી પોલીસ સમક્ષ રૂબરૂમાં હાજર થયેલા આરોપી દુષ્યંત સોનીએ પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે આ નકલી ઘીનો જથ્થો તેણે પણ એક અન્ય વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. સૂત્રોની જાણકારી અનુસાર આ વ્યક્તિનું નામ અલ્પેશ હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. મા શક્તિની 9 દિવસ લાંબી આરાધનાના પર્વનું પ્રથમ ચરણ છે. આ દિવસે ગુજરાતના તમામ માતાજીના ધામ અંબાજી, પાવાગઢ વગેરે જગ્યાએ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે આજે મોહનથાળ પ્રસાદ નકલી ઘી કેસની તપાસમાં પણ એક મોટો ખુલાસો થવા પામ્યો છે. અત્યાર સુધી આ કેસના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા દુષ્યંત સોનીએ તેની ઉલટતપાસ દરમિયાન એક નવા શખ્સના નામનો ખુલાસો કર્યો હોવાનું સામે આવ્યું છે. એવું જણાવાઈ રહ્યું છે કે દુષ્યંત સોનીએ તેની તપાસ દરમિયાન અલ્પેશ નામના વ્યક્તિનું નામ લીધું હતું, અને જણાવ્યું હતું કે આ ઘીનો પુરવઠો તેણે અલ્પેશ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો.
મહત્વનું છે કે જ્યારથી આ કેસની ફરિયાદ નોંધાઈ છે, ત્યારથી અંબાજી પોલીસની કામગીરી જ શંકાના ઘેરામાં રહી છે. એક તો 25 દિવસ પછી પોલીસે પહેલી ધરપકડ કરી હતી, જેમાં પણ મોહિની કેટરર્સના 4 લોકો અને નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. આ ઉપરાંત લાંબા સમયથી જેને મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલો તે દુષ્યંત સોની પણ પોલીસની પકડથી દૂર હતો અને તે પોતે નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થઈ સરેન્ડર થયો હતો. આ ઉપરાંત હવે દુષ્યંત સોની પોતે તપાસમાં એવું કહે છે કે આ નકલી ઘીમાં તે આરોપી ન હોઈ અલ્પેશ નામનો શખ્સ તેમાં સંબંધિત છે અને આ ઘીનો જથ્થો અલ્પેશ પાસેથી ખરીદાઈને તેની સુધી પહોંચ્યો હતો.
જેમ-જેમ દિવસો જતાં જાય છે તેમ તેમ દિવસે દિવસે એક નવું નામ તપાસમાં સામે આવતું જાય છે, પરંતુ આ દરેક આરોપી ઘીનો વેપારી નીકળે છે તે ઘી બનાવનાર અથવા આ ષડયંત્રનો સૂત્રધાર છે એ માહિતી સામે આવતી નથી, બીજા શબ્દોમાં કહીએ તો આ મામલામાં લાખો માઈભક્તોના આરોગ્ય સાથે ચેડા કરનાર ભક્તોની શ્રદ્ધાને લાંછન લગાડનાર આ આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ આરોપી કોણ છે તે પણ હજુ પોલીસની માહિતીમાં આવ્યું નથી. તો આ આરોપીને ઓળખી તેને પકડી અને પછી તેને કાયદાની સજા અપાવવી હજુ પણ પોલીસ માટે ઘણું કપરું પુરવાર થશે, તેમ જણાઈ રહ્યું છે.