- વિકાસકાર્યોને વેગ આપતી યોજના
- શહેરી વિકાસકાર્યો થઈ રહ્યા છે સંપૂર્ણ
- સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વેગ મળે તેવો નિર્ણય લીધો છે. તેમણે એક મહત્વનો નિર્ણય લઈને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ ત્રણ વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનું છે કે હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વધતા જતા શહેરીકરણને પગલે શહેરની માળખાકીય સુવિધાઓ-જરૂરિયાતોને મજબૂત કરવાના હેતુથી ગુજરાતની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી સમયે વર્ષ 2009-10માં આ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી.
માળખાકીય સુવિધાઓનું નિર્માણ
નોંધનીય છે કે આ યોજનામાં શહેરીજનોની સુવિધા માટેના પાયાના માળખાકીય કામો જેવા કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, જળસંચય અને લેક બ્યુટીફિકેશનનાં કામો, શહેરી સડકનાં કામો, પાણી પુરવઠા ગટર-વ્યવસ્થાનાં કામો તેમજ સ્ટ્રીટ લાઈટનાં કામો વગેરે હાથ ધરવામાં આવે છે. અને તેના માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને (નગરપાલિકાઓ, નગર નિગમ અને મહાનગરપાલિકાઓને) ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક માળખાકીય સુવિધાઓ અન્વયે અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, આંગણવાડી, લાઇબ્રેરી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓનો વિકાસ પણ કરવામાં આવે છે.
વિકાસના કાર્યોને વેગ
અર્બન મોબિલિટી હેઠળ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી શહેરી બસ સેવા, ટ્રાફિક મેનેજમેન્ટ, રેલવે ઓવરબ્રિજ, અંડર બ્રિજ, રિંગ રોડ, ફ્લાય-ઓવર બ્રિજ અને અંડરપાસ જેવાં પ્રોજેક્ટો પાછળ નાણાં વાપરવામાં આવે છે. આવી સુવિધાઓના નિર્માણથી શહેરીજનો માટે અર્બન ટ્રાન્સપોર્ટ આસાન અને સુરક્ષિત બને છે. જેના સિવાય શહેરની એક અલગ જ ઓળખ પ્રસ્થાપિત થાય તેવાં કામોમાં હેરિટેજ એન્ડ ટુરિઝમ, એક્ઝિબિશન હોલ, પંચશક્તિ થીમ આધારિત ટ્રાફિક આઈલેન્ડ્સ, રીવરફ્રન્ટ, વોટર બોડી, લેન્ડસ્કેપિંગ, સાયન્સ સેન્ટર, પ્લેનેટોરિયમ, મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, વગેરેનાં કાર્યો પણ આ યોજના હેઠળ સામેલ કરવામાં આવે છે.
48 હજાર કરોડથી વધુના કાર્યો
આંકડાકીય માહિતીની વાત કરીએ તો હાલ ગુજરાત સરકારે નગરો-મહાનગરોમાં આવા અંદાજે 2.84 લાખથી વધુ વિકાસકાર્યો માટે રૂપિયા 48 હજાર કરોડથી વધુની રકમ અત્યાર સુધીમાં મંજૂર કરી છે. આ ફ્લેગશીપ યોજના માટે અત્યાર સુધીમાં 57 હજાર કરોડનું બજેટ ફાળવાયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ યોજનાને મળી રહેલા વ્યાપક લોક સમર્થન તેમજ નગર સુખાકારીનાં વિવિધ કામોમાં યોજનાના લાભોની જરૂરિયાત સંદર્ભમાં આ ફ્લેગશીપ યોજના વધુ ત્રણ વર્ષ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ યોજના હવે વર્ષ 2024-25થી 2026-27 સુધીના વધુ ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.