મેટ્રો પોલિટીયન કોર્ટમાં રજૂ કરાયા’તા : હથિયાર કયાંથી આવ્યા અને કોણે આપ્યા તે દિશામાં તપાસ : રિમાન્ડ બાદ મોટા ખૂલાસા થવાની શકયતા
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ગઇકાલે ચાર આતંકવાદી ઝડપાયા હતા. તેઓને સ્પેશ્યલ મેટ્રો પોલિટીયન કોર્ટમાં એટીએસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગ કરતા તેઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ પાસેથી પકડાયેલા હથિયારો કયાંથી આવ્યા અને કોણે આપ્યા તે દિશામાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં મોટા ખુલાસા થશે અને ષડયંત્ર ખુલશે તેવી શકયતા તપાસ એજન્સીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હાલ સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસએ હવાઈ માર્ગે પ્રવેશેલા ૪ આંતકીઓની ધરપકડ કરી છે. આ મામલે ગુજરાત ATS એ પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટા ખુલાસા કર્યા છે. ગુજરાત એટીએસના જણાવ્યા મુજબ, ચારેય આંતકી ચેન્નાઇ એરપોર્ટથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ગુજરાત ATS એ વોચ ગોઠવીને ચારેય આંતકીઓને ઝબ્બે કર્યા છે. આ ચારેય શ્રીલંકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે અને ચારેય આતંકી ISIS સાથે સંકળાયેલા હોવાનો અને સુસાઈડ બોમ્બર હોવાનો મોટો ખુલાસો પણ થયો છે. આજે ગુજરાત ATS એ એરપોર્ટ પરથી આ ચારેય આંતકી અને શ્રીલંકન નાગરિકોની ધરપકડ કરી છે. આતંકીઓની ધરપકડ બાદ ગુજરાત ATS ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં DGP વિકાસ સહાયએ મીડિયાને જણાવ્યું કે, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે ચાર વ્યક્તિ કે જેમના નામ અબ્દુલ મોહમ્મદ રશદિન, નુફેર મોહમ્મદ અફરાન, મોહમ્મદ ફરિશ મોહમ્મદ અને અહેમદ મોહમ્મદ નુશરથ છે તે શ્રીલંકાના નાગરિક છે અને આંતકવાદી પ્રતિબંધિત સંસ્થા ISIS સાથે સંકળાયેલા છે અને સક્રિય સભ્યો છે.
આ કેસમાં તપાસ હેઠળ નાના ચિલોડા વિસ્તારમાંથી 3 પિસ્તોલ પણ મળી આવી છે. આ પિસ્તોલ પાકિસ્તાન બનાવટની હતી. પિસ્તોલની સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ ચારેય ISIS સાથે સંકળાયેલા હોવાનું અને પ્રોટોન મેલ થકી આકાઓના સંપર્કમાં હોવાની માહિતી છે. આતંકીઓના મનસૂબા જાણવા દુભાષિયાની મદદ લેવાઈ છે. આતંકીઓ તામિલ ભાષા જાણતા હોવાથી દુભાષીયાની મદદ લેવાઇ છે. આ મામલે હવે આતંકીઓ ક્યાં રોકવાના હતા ? આતંકીઓને સ્થાનિક મદદ મળતી હતી કે કેમ ? સહિતની તપાસ કરાશે.
ISIS ફ્લેગ, ભારત અને શ્રીલંકન ચલણ મળ્યા
ડીજીપીએ જણાવ્યું હતું કે આતંકીઓની તપાસ કરતા તેમની પાસેથી ISIS નો ફ્લેગ પણ મળ્યો છે. ઉપરાંત, ભારતીય અને શ્રીલંકન ચલણ તથા બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. ૪ પૈકી બે આતંકી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે.
આંતકીઓ આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતા : DGP
DGP વિકાસ સહાયએ આગળ જણાવ્યું કે, આ ચારેય શખ્સની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ચારેય પાકિસ્તાન (Pakistan) સ્થિત અબુના સંપર્કમાં હતા. અબુએ તેમને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. DGP વિકાસ સહાય એ મોટો ખુલાસો કરતા કહ્યું કે, પ્રાથમિક અહેવાલ છે કે આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા અને BJP અને RSS ના નેતાઓને નિશાન બનાવવાના હતા.
હથિયારની માહિતી પ્રોટોન મેઇલમાં મોકલી હતી
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનો હેન્ડલર અબુ બકર આતંકી હુમલાનો ટાર્ગેટ આપવાનો હતો. શ્રીલંકાથી અમદાવાદ હથિયાર પહોંચાડવાની માહિતી પ્રોટોન મેઇલ નામના ઇમેલ સાઇટ પરથી મોકલાઇ હતી.