- માદરે વતનમાં ગૃહમંત્રી અમિત શાહ
- કુળદેવીના મંદિરે દર્શન કરી આશિષ લીધા
- બહુચર માતાજીની કરી આરતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, તેમણે સમૌ ગામમાં એક શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું ઉદ્ધાટન પણ કર્યું હતું. જો કે તેના પછી તે પોતાના વતન માણસા ગયા હતા અને કુળદેવી બહુચર માતાજીના દર્શન કરી તેમની આરતીનો લહાવો લીધો હતો.
મહત્વનું છે કે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 13 ઓક્ટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. ત્યાર બાદ એક દિવસ અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચમાં પણ સહભાગી થયા હતા. તેમણે એક સામાન્ય નાગરિકની જેમ બેસીને મેચ નિહાળી હતી અને એક બાળકીને ખોળામાં બેસાડીને વહાલ પણ કર્યું હતું. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
આ ઉપરાંત આજે સમૌ ગામે અમિતભાઈએ એક લાયબ્રેરી અને શહીદ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. નોંધનીય છે કે આ પુસ્તકાલય ઘણું જ વિશેષ છે. આંકડાકીય માહિતી પ્રમાણે વાત કરીએ તો આ પુસ્તકાલયને તૈયાર કરવા પાછળ લગભગ 2 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો છે. ઉપરાંત આ પુસ્તકમાં એકીસાથે અંદાજે 150 જેટલા લોકો વાંચન કરી શકે તેવી સુવિધા વિકસાવવામાં આવી છે. જેની સાથે જ પુસ્તકોની સંગ્રહક્ષમતાની વાત કરીએ તો આ લાઈબ્રેરીમાં આશરે 5000 જેટલા પુસ્તકોને રાખવામાં આવશે.
આ પુસ્તકાલયના ઉદ્ધાટનમાં અમિતભાઈએ કહ્યું હતું કે પહેલાના સમયમાં લાયબ્રેરીઓ નહોતી એટલે ધંધો કરવા જવું પડતું પરંતુ હવે લાયબ્રેરી હોવાથી યુવાનોને વાંચવાની પ્રેરણા મળશે. તેમણે જણાવ્યું હતું કે તેમને પોતાને પણ લાઇબ્રેરીનાં કારણે દેશને સમજવાનો મોકો મળ્યો છે બાળકોને પુસ્તકાલય તરફ વાળજો ભવિષ્ય ઉજ્વળ બનશે એવી એક ટકોર શિક્ષકો માટે પણ તેમણે કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશનો ઈતિહાસ દેશની ભાષા સંસ્કૃતિ સાથે યુવાઓ જોડાય તેના માટે પુસ્તકાલય બનાવવું જોઈએ. પુસ્તકાલય માટે તેમણે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન આપ્યા હતા.