- ‘બિલ્ડરને લાભ કરાવવા પાલિકા જમીન પર કબ્જો મેળવે છે : ખેડૂત
- TPમાં કપાત માટે જગ્યાનો કબ્જો લેવા ગયા હતા: મેયર
- એક ખેડૂતને મંજૂર ના હોવાથી વિરોધ કર્યો: મેયર
હાલમાં સુરતમાં વિવિધ ટીપી સ્કીમ અંતર્ગત રોડ અને નિર્માણના કામ ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. જેમાં ખેડૂતો તરફથી એવો આરોપ લગાવવામાં આવ્યો કે, બિલ્ડરને લાભ માટે મનપા દ્વારા રસ્તો બનાવવામાં આવે છે તો મેયરે જણાવ્યું કે, TPમાં કપાત માટે જગ્યાનો કબ્જો લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર સુરતના બમરોલી વિસ્તારમાં રસ્તો કાઢવા મુદ્દે સુરત મહાનગરપાલિકા અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, તેમની મહામૂલી જમીનમાંથી રસ્તો બનાવીને બિલ્ડરને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. જે પછી ખેડૂતોના વિરોધના કારણે મનપાની ટીમ પરત ફરી હતી. જેના પછી પોલીસને બોલાવવામાં આવી હતી. જેના અંગે પાલિકાના કર્મચારી અધિકારીઓએ જણાવ્યું કે, ટીપી સ્કીમ અંતર્ગત ખેતરમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, પાલિકાના અધિકારીઓએ રોડ બનાવવા માટેની જે કામગીરી છે એ શરૂ કરતાની સાથે જ ખેડૂતોએ રસ્તા ઉપર આવી વિરોધ નોંધાવ્યો હતો.
મનપા દ્વારા ઘટના ગંભીર ન બને તેના માટે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતના બમરોલીમાં પાલિકા અધિકારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, તેમની જમીન બમરોલી રોડ વિસ્તારમાં આવી છે. પહેલા જ બમરોલીના 120 ફૂટ રોડ બનાવવા માટે 40% જમીનની કપાત તેઓની થઈ ચૂકી છે.
જ્યારે આ અંગે સુરત મેયરે જણાવ્યું કે, TPમાં કપાત માટે જગ્યાનો કબ્જો લેવા ગયા હતા. જેમાં માત્ર એક જ ખેડૂતનો વિરોધ છે જેના કારણે મનપાના અધિકારીઓએ પાછા ફરવું પડ્યું હતું. કોઈ પણ પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસની મદદ લેવામાં આવી છે. તેમજ પાલિકાના કર્મચારી અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે, ટીપી સ્કીમ અંતર્ગત ખેતરમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે અમે લોકો કામગીરી કરવા આવ્યા છે.