સુરતમાં ફરજ દરમિયાન ડુમસમાં કરોડોના જમીન કૌભાંડમાં હતી સંડોવણી : આઇએએસ લોબીમાં ખળભળાટ
સામાન્ય રીતે કોઇપણ કૌભાંડમાં આઇએએસ કે આઇપીએસ સુધી તપાસ જતી નથી. તેની નીચેના બીજા વર્ગના અધિકારીઓને સજા થાય છે તેવી વ્યાપક ફરિયાદ છે. પરંતુ ગુજરાત સરકારે હવે તેમના હાથ વધુ મજબૂત કર્યા છે અને આઇએએસ કે આઇપીએસ જો કોઇ કૌભાંડોમાં સંડોવાયેલા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં પણ કસર નહી છોડવામાં આવે તેવો દાખલો બેસાડયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર જેવા લોખંડી નિર્ણય સાથે વલસાડના કલેકટર આયુષ ઓકને રાતો રાત સસ્પેન્ડ કરી દીધા છે. તેમની સામે સુરતના ડુમસમાં જમીન કૌભાંડની તપાસ ચાલતી હતી. આ તપાસમાં તેમની ગંભીર અને ગુનાહીત સંડોવણી જણાતા તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂા. ૨૦૦૦ કરોડના મૂલ્યની સરવે નંબર ૩૧૧-૩ હેઠળની ૨.૧૭ લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચડાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવાના કૌભાડમાં બેદરકારી દાખવનાર સુરતના તે વખતના કલેક્ટર આયુષ સજીવ ઓકને સસ્પેન્ડ કરી દેવાનો આજે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. હાલ વલસાડના કલેક્ટર તરીકે કરજ બજાવતા આયુષ ઓકે ૨૩મી જૂન ૨૦૨૧ થી ૧લી ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાનના સેવા કાળમાં સરકારી જમીનમાં ગોટાળા કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડયું છે. ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જયમિન શાહની સહી સાથે આયુષ ઓકના સસ્પેન્સનનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજિલન્સ કમિશન, ગાંધીનગરના મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને પણ એક ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મળતા ગુજરાત સરકારે તત્કાલિન જિલ્લા કલેકટર આયુષ ઓકે કરેલા હુકમ સામે મનાઇ ફરમાવી દીધી છે. આ મુદ્દે મહેસુલ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી મહેસુલ વિભાગ દ્વારા આજે આ કેસની સુનાવણી હાથ ધરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કૌભાંડમાં મોટા ભૂમાફિયા અને રાજકારણીઓની સંડોવણી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.