- છેલ્લા 10 મહિનામાં માત્ર અમદાવાદમાં જ 1,600 ફોન ચોરાયા
- પોલીસ માત્ર 300 ફોન જ રિકવર કરી શકી
- એક્ટ્રેસના મોબાઇલ ચોરીના એક ટ્વિટથી પોલીસ દોડતી થઈ જાય
ભારત-પાકિસ્તાનની મેચ જોવા આવેલી બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ ગોલ્ડનો મોબાઇલ સ્ટેડિયમમાંથી ચોરી થયો હતો. તેણે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તેમનો સંપર્ક કરીને ફરિયાદ કરવાનું સૂચન કર્યું. ત્યારબાદ દેશ તેમજ દુનિયાભરમાં પોતાની આબરૂના ધજાગરા ન ઊડે એટલે કોઈ પણ સંજોગોમાં એક્ટ્રેસનો મોબાઇલ શોધવા ધમપછાડા કરી રહી છે. આ જ મોબાઇલ જો સામાન્ય નાગરિકનો ચોરાયો હોય તો ફરિયાદ સાંભળવાનું તો દૂર ઓનલાઇન સિટિઝન પોર્ટલ પર ઈ-ફરિયાદ કરવાનું કહીને હાથ અધ્ધર કરી દે છે. તેમજ અરજી કરવાનું કહીને અરજદારને રવાના કરી દે છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023થી લઇને સપ્ટેમ્બર 2023 સુધીમાં અમદાવાદમાં જ 1,600 મોબાઇલ ચોરાયા જેની સામે પોલીસે 300 મોબાઇલ જ રિકવર કર્યા છે.
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન મોબાઇલ ચોરી થયાની ઘટનાઓ એકાએક વધી ગઈ છે. તાજેતરમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો પણ મોબાઇલ ચોરી થયો હતો. તેણે પોલીસ પાસે મદદ માગતી ટ્વિટ કરતા જ પોલીસે ઉર્વશીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, મોબાઇલ નંબર અને IMEI નંબરના આધારે ટ્રેસ કરવા માટે પણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ગત આઈપીએલ મેચ જોવા સુરતથી એક ગ્રૂપ આવ્યું હતું. તેમાંથી એક ડોક્ટરનો આઇફોન ચોરાયો હતો, તેમણે પોલીસનો સંપર્ક કરતા ઓનલાઇન ફરિયાદ કરવાનું કહી ઘરે પરત મોકલી દીધા હતા. તેમણે ઓનલાઇન ફરિયાદ કરવાનું શરૂ કર્યું તો સર્વર ડાઉન આવતું હતું. પોલીસને જાણ કરી તો તેમણે કહ્યું સર્વર ચાલુ થાય પછી કરી લે જો. આમ અનેક ધક્કા ખાધા બાદ પણ તેમનો મોબાઇલ મળ્યો નથી. બીજી તરફ ચાલાક પોલીસે મોબાઇલ ચોરીનું પ્રમાણ વધુ ન દેખાય એટલે ઓનલાઇન FIR નોંધવાનું જ કહે છે. આમ પોતાની છબિ પણ ન બગડે અને મોબાઇલ શોધવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે.
મોબાઇલ ચોરોની નવી મોડસ ઓપરેન્ડી
અગાઉ મોબાઇલ ચોરી કરીને તસ્કરો સ્થાનિક વેપારીઓને વેચી દેતા હતા, પરંતુ વધુ રૂપિયા મળતા ન હતી ઉપરથી પકડાઈ જવાની પણ બીક રહેતી હતી. હવે આ તસ્કરો પણ સ્માર્ટ થઈ ગયા છે. આ લોકો મોબાઇલના સ્પેરપાર્ટ્સ અલગ કરીને યુપી થઈને નેપાળમાં વેચી મારે છે અને રૂપિયા પણ વધુ કમાઈ લે છે.
મોટાભાગે ઓનલાઇન સિટિઝન પોર્ટલનું સર્વર ડાઉન હોય છે
મોબાઇલ ચોરીની ફરિયાદ કરવા તૈયાર કરાયેલા સિટિઝન પોર્ટલ પર સર્વર ડાઉન રહેવાની અનેક ફરિયાદો જોવા મળે છે. અથવા તો ફરિયાદ કરી રહ્યા હોય ત્યારે અચાનક જ સર્વર ડાઉન થતાં ફરી મહેનત કરવી પડે છે.
અગાઉ એક પૂર્વ ધારાસભ્યનો મોબાઇલ 24 કલાકમાં પોલીસે શોધી કાઢયો હતો
એલિસબ્રિજના પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહનો બે વર્ષ પહેલાં મોબાઇલ ચોરી થયો હતો ત્યારે તેઓ ધારાસભ્ય હોવાથી અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ સહિતની એજન્સીઓ મોબાઇલ શોધવા માટે લાગી હતી. 24 કલાકમાં જ પોલીસે મોબાઇલ શોધીને સ્ન્છ રાકેશ શાહને પરત સોંપી દીધો હતો.
E-FIR કેવી રીતે નોંધવી તેને લઇને હજુ લોકોમાં મૂંઝવણ
પહેલા મોબાઇલ ચોરી થાય એટલે પોલીસ સ્ટેશન જઈને ચોરીની ફરિયાદ નોંધાવી શકાતી હતી. પરંતુ પોલીસકર્મીઓ ફરિયાદને બદલે માત્ર અરજી લઈને અરજદારને રવાના કરી દેતી. આ ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા સરકારે સામાન્ય નાગરિક મોબાઇલની ફરિયાદ કરી શકે તે માટે સિટીઝન પોર્ટલ પર E-FIR થઈ શકે તેવી સુવિધા ઊભી કરી છે. પરંતુ E-FIR કઇ રીતે નોંધાયે તે માટે અનેક લોકો અજાણ છે. આ ઉપરાંત ગરીબ તેમજ સામાન્ય વ્યકિતઓને ઓનલાઇન ફરિયાદ નોંધાવતા આવડતું ન હોવાથી પોલીસ પાસે મદદ માગે તો તેઓ પણ સમજાવવાને બદલે ગલ્લાંતલ્લાં કરીને પાછા મોકલી દે છે.