- સાબરમતી પ્રદૂષણ મુદ્દે PILમાં HC સમક્ષ ચોંકાવનારો રિપોર્ટ
- બે મુખ્ય CEPT નોર્મ્સ પ્રમાણે ચાલતા જ નથી
- નદીને પ્રદૂષણ મુકત બનાવા લાંબા ગાળાનું નક્કર આયોજન જરૂરી
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે દાખલ થયેલી સુઓમોટો પીઆઇએલમાં કોર્ટ સહાયક(એમીકસ કયુરી) દ્વારા આજે મહત્ત્વનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, હજુ પણ અમદાવાદ શહેરના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઘણી ક્ષતિઓ છે. તો બે સીઇપીટી(કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) નોર્મ્સ પ્રમાણે કાર્યરત નથી. શહેરના વિકસતા નવા વિસ્તારોને પણ સુએઝ લાઇન સાથે જોડવા અને સાબરમતી નદીને પ્રદૂષણ મુકત બનાવી પુનઃજીવિત કરવા લાંબા ગાળાનું નક્કર આયોજન જરૂરી હોવા સહિતના અગત્યના સૂચન પણ રિપોર્ટમાં કરાયા હતા.
સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેના કેસમાં અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયત્રણ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મેગા કલીન એસોસીએશન દ્વારા કરાયેલા સોગંદનામાં બાદ આજે કોર્ટ સહાયક હેમાંગ શાહે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, શહેરના જુદા જુદા એસટીપી(સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં હજુ પણ કેટલીક ખામીઓ અને ક્ષતિઓ વર્તાઇ રહી છે, તેનું સત્તાવાળાઓ તાત્કાલિક નિવારણ કરવું જોઇએ. ખાસ કરીને નીરી સંસ્થાનું આગામી વર્ષે ઇન્સ્પેકશન આવી રહ્યું છે તે પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ થાય તે જરૂરી છે. વળી, અમ્યુકોએ નવા એસટીપી પ્લાન્ટસ નવા બનાવવાની અને તેની ક્ષમતા વધારવાની જે વાત કરી છે તેમાં આગામી ત્રણ વર્ષની સમયમર્યાદા આપી છે પરંતુ ત્યાં સુધી શું..? એટલે કે, ત્યાં સુધી ગંદુ અને પ્રદૂષિત પાણી નદીમાં ના ઠલવાય તે માટે હાલના એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા જોઇએ. અમદાવાદ મેગા કલીન એસોસીએશને તેની પાઇપલાઇનમાં ડોમેસ્ટીક કનેકશનો જોવા મળ્યા હોવાની ફરિયાદ કરી છે પરંતુ મેગા પાઇપલાઇનના કસ્ટોડિયન તરીકે એસોસીએશને તાત્કાલિક ધોરણે આવા ગેરકાયદે કનેકશન સીલ કરી અમ્યુકોને જાણ કરી આવા તત્વો વિરુદ્ધ એફ્આઇઆર સહિતની કાર્યવાહી કરવી જોઇએ. જો આવા ગેરકાયદે જોડાણોમાં રેસીડેન્સીયલ યુનિટ માલમૂ પડે તો, પોલીસે ડેવલપર અને અમ્યુકોના જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.