- છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા 70 ટકા વધી
- અવિરત વરસાદથી જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી
- ગિરનાર અભયારણ્યમાં પ્રવાસીઓનો સામાન્ય ધસારો રહ્યો હતો
સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો ચાર મહિનાનો સંવનન કાળ પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. અવિરત વરસાદને લઈને જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે કુદરતી વાતાવરણમાં સિંહોને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. છેલ્લા 3 વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા 70 ટકા વધી છે. જયારે ગિરનાર અભયારણ્યમાં સામાન્ય ધસારો રહ્યો હતો.
આ વર્ષથી વન વિભાગ દ્વારા અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક સુવિધામાં વધારો કર્યો છે. 4 મહિનાના વેકેશન બાદ આજથી ગીર અભયારણ્યના દરવાજા ખોલવામાં આવતા સવારે નવીનકોર જીપ્સી અને 100 જેટલી મોડીફાઈડ બોલેરોમાં પ્રવાસીઓનું સ્વાગત કરીને જંગલમાં રવાના કરાયા હતા. ચોમાસાના ચાર મહિના અવિરત વરસાદને લઈને હાલ જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જંગલમાં નદી-નાળા અને ઝરણાઓ ખળખળ વહી રહ્યા છે. જંગલમાં તૃણાહારી પક્ષીઓ અને પ્રાણીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સિંહ, સહિતના હરણ, ચિતલ, સાંભર, જળચર પ્રાણીઓ નિહાળી શકાશે.